વોશિંગ્ટન : તહેરાન : ઇરાને જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજોએ ટ્રાન્ઝિટ ફી ઇરાનીયન ચલણ રિયાલમાં ચૂકવવી પડશે.
આ માટે ઇરાનની સંસદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હોર્મુઝની ખાડી પર ઇરાનનું નિયંત્રણ વધુ મજબૂત કરવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. હોર્મુઝની રક્ષા અને વિકાસ માટે વ્યૂહાત્મક એકશન પ્લાનમાં ઇરાન સરકાર જરૂર પડે ઓમાન સાથે સમજૂતી કરી શકે છે. ઇરાનના મુંબઈ સ્થિતિ દૂતાવાસે જણાવ્યું હતું કે હોર્મુઝ પર અંકુશ વધારવા માટે ઇરાનની સંસદમાં નવ પોઇન્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેનો એક પોઇન્ટ એ છે કે ઇરાન હોર્મુઝમાંથી જહાજોને પસાર થવા દેવા માટે સુરક્ષિત રસ્તો આપશે, પરંતુ તેના માટે જહાજોએ ટ્રાન્ઝિટ ફી ચૂકવવી પડશે. જહાજ માલિકોએ જણાવવું પડશે કે તેમના જહાજમાં શું લદાયેલું છે. તેમણે પેમેન્ટ માટે ઇરાનની બેન્કમાં ખાતુ ખોલાવવું પડશે.
આ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે તે હોર્મુઝમાંથી પસાર થનારા ટેન્કરો પર ફી વસૂલવાનું બંધ કરી દે. યુદ્ધવિરામની શરતો હેઠળ હોર્મુઝ ખોલવાની વાત થઈ હતી, પરંતુ ઇરાન તેમાં અવરોધ સર્જી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાન આ રીતે પગલાં ભરીને તેણે જ નક્કી કરેલી યુદ્ધવિરામની શરતોનો ભંગ કરી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પોતે પણ ઇરાન સાથેની શાંતિ મંત્રણાની સફળતા અંગે શંકાશીલ છે. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની આગેવાની હેઠળનું અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ જવા રવાના થઈ ચૂક્યું છે. તેમણે ઇસ્લામાબાદ જતાં પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મંત્રણાને લઈને આશા રાખીએ છીએ કે તે સારી રહેશે.
Reporter: admin







