News Portal...

Breaking News :

પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની સભામાં મોટાભાગનાં ખેસધારી અને તાલી વગાડનારા કાર્યકરો.મતદારો નહીંવત.

2026-04-18 11:03:18
પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની સભામાં મોટાભાગનાં ખેસધારી અને તાલી વગાડનારા કાર્યકરો.મતદારો નહીંવત.


હવે ચૂંટણીની સભામાં સંગઠને ભીડ ભેગી કરવી પડે છે.હવે મતદાર સ્વયંભૂ આવતો નથી
વડોદરામાં ભાજપનો ગઢ ખાલી.કાર્યાલયો કાર્યકર વગરનાં-જનતા નારાજ..
30 વર્ષનાં શાસન બાદ પ્રજાનો ઉકળાટ બહાર—હર્ષ સંઘવીની સભામાં પણ ‘જનતા ગાયબ’, ફક્ત ખેસધારી અને તાલી મારનારા..
પ્રચારમાં કાર્યકરો નહીં, કાર્યાલયોમાં સન્નાટો—એન્ટી ઇન્કમ્બન્સી અને આંતરિક ખેંચતાણે ભાજપને મુશ્કેલીમાં ધકેલ્યું...



“પાંચ વર્ષ ક્યાં ગયા?” જેવા સવાલોથી ઘેરાયા ઉમેદવારો—વિકાસનાં દાવા સામે જનતાનો સ્પષ્ટ અસંતોષ
વડોદરા શહેર હંમેશા ભાજપનો આજેય ગઢ મનાતું આવ્યું છે. પરંતુ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીનાં જંગમાં ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. એક જમાનામાં ભાજપનાં ચૂંટણી કાર્યાલયો કાર્યકરો અને સમર્થકોથી ચોવીસ કલાક ધમધમતા હતા, તે આજે સુમસામ ભાસી રહ્યા છે. સામાન્ય નાગરિકોમાં ભાજપ પ્રત્યે જોવા મળી રહેલી નિરસતા અને ઠેરઠેર થઈ રહેલો વિરોધ પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.ચૂંટણી કાર્યાલયોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે.જુનાં જોગીઓ કાર્યાલયમાં ડોકિયું કરવા કે ચા-નાસ્તો કરવા પણ આવતા નથી. શહેરનાં તમામ વોર્ડમાં ભાજપે ભવ્ય ચૂંટણી કાર્યાલયો તો ખોલ્યા છે, પરંતુ ત્યાં પક્ષનો પરંપરાગત ઉત્સાહ ગાયબ છે. બપોરનાં સમયે તો શહેરનું મુખ્ય કાર્યાલય પણ ખાલીખમ જોવા મળે છે. જુનાં અને પીઢ કાર્યકરો જણાવી રહ્યા છે કે પહેલા ચૂંટણીનાં સમયે લોકો સામેથી આવતા હતા અને પક્ષ માટે કામ કરવા થનગનતા હતા. આજે સ્થિતિ એવી છે કે ભાજપનાં સંગઠને લોકોને બોલાવવા પડે છે અને છતાં પણ પાંખી હાજરી જોવા મળે છે.ચોંકાવનારી વાત એ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સભામાં પણ સામાન્ય જનતાની ગેરહાજરી જોવા મળી હતી, જે સંગઠનની નિષ્ફળતા દર્શાવે છે. ગઈકાલે હર્ષ સંઘવીએ વડોદરામાં ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કર્યો હતો. તેમની સભામાં ભીડ દેખાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં ત્યાં એક પણ સામાન્ય મતદાર નહોતો. સભામાં હાજર રહેલા મટાભાગનાં લોકો ભાજપનો કેસરી ખેસ પહેરેલા કાર્યકરો જ હતા.આ દૃશ્યોએ સાબિત કરી દીધું છે કે શહેર સંગઠન હવે સામાન્ય નાગરિકોને-મતદારોને સભા સુધી લાવવામાં નિષ્ફળ રહ્યું છે. લોકો હવે ભાજપના નેતાઓને સાંભળવા જવાને બદલે પોતાના કામમાં વ્યસ્ત રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.વડોદરામાં ભાજપ પ્રત્યેની આ નિરસતા માત્ર આકસ્મિક નથી, પરંતુ વર્ષોના અસંતોષનું પરિણામ છે. જો સંગઠન હજુ પણ જાગૃત નહીં થાય અને પ્રજાના પ્રશ્નોને ગંભીરતાથી નહીં લે, તો આગામી પરિણામો ચોંકાવનારા આવી શકે છે. હર્ષ સંઘવી જેવા કદાવર નેતાની હાજરીમાં પણ સામાન્ય જનતાનું અંતર જાળવવું એ પક્ષ માટે લાલબત્તી સમાન છે. લોકશાહીમાં જનતા જ જનાર્દન છે, અને વડોદરાની જનતા આ વખતે 'ચૂપચાપ' રહીને કંઈક મોટું પરિવર્તન લાવવાના મૂડમાં હોય તેમ જણાય છે.



30 વર્ષનો હિસાબ અને પ્રજાનો આક્રોશ
વડોદરામાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભાજપનું એકહથ્થું શાસન છે. છતાં આજે પણ શહેરના અનેક વિસ્તારો પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. ગંદા પાણીની સમસ્યા, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત જનતામાં હવે ધીમે ધીમે રોષ ફાટી નીકળ્યો છે.દરેક વોર્ડમાં જ્યારે ઉમેદવારો પ્રચાર માટે જાય છે ત્યારે સ્થાનિક રહીશો તેમને આકરા સવાલો પૂછે છે. “પાંચ વર્ષ સુધી ક્યાં ગયા હતા?” અને “હવે મત લેવા જ કેમ આવ્યા?” તેવા પ્રશ્નોથી ઉમેદવારોની હાલત કફોડી બની રહી છે. ઘણા વિસ્તારોમાં તો ઉમેદવારોને પ્રવેશવા પણ દેવામાં આવતા નથી, જે ભાજપ વિરુદ્ધના એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટરને સ્પષ્ટ કરે છે.પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ પણ હવે સપાટી પર આવી છે. પૂર્વ કોર્પોરેટરો અને વર્ષોથી પક્ષને સીંચનારા પાયાના કાર્યકરોને સંગઠન દ્વારા બોલાવવામાં આવતા નથી. નવા સંગઠન અને જુના કાર્યકરો વચ્ચેના સંકલનના અભાવે ભાજપની ચૂંટણી મશીનરી કાટ ખાઈ ગઈ હોય તેમ લાગે છે.

શા માટે જનતામાં નિરસતા છે?
સ્માર્ટ સિટીનાં બણગાં વચ્ચે નળમાં ગંદુ પાણી અને રસ્તાઓ પરના ખાડાઓથી લોકો કંટાળી ગયા છે. ગત ટર્મના કોર્પોરેટરોએ ચૂંટાયા બાદ પ્રજા સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો, જેનો બદલો હવે મતદારો લઈ રહ્યા છે.
કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા ઊંચા વેરા અને તેની સામે મળતી નબળી સુવિધાઓથી મધ્યમ વર્ગ નારાજ છે. દર ચૂંટણીએ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત થાય છે, પરંતુ અમલીકરણ શૂન્ય રહે છે.

Reporter: admin

Related Post