ચૂંટણી વચ્ચે સરકારી ખજાનો ખાનગી હિતે વપરાયો? પૂર્વ કોર્પોરેટર- ઉમેદવારની છત્રછાયા હેઠળ ગેરકાયદેસર કામનો ધમધમાટ
ફ્લાઈંગ સ્ક્વોડ હોવા છતાં ખુલ્લેઆમ ખોદકામ—તંત્ર મૌન કે સંડોવાયેલું?
મતદારોને લલચાવવાનાં કામ પર પ્રતિબંધ છતાં નિયમોની ધજાગરા—ચૂંટણી પહેલા બિલ્ડરોને ફાયદો પહોંચાડવાની દોડ
પૂર્વ કોર્પોરેટરના ક્વોટામાંથી લોકશાહીનાં પર્વ વચ્ચે વિકાસના નામે ભ્રષ્ટાચારની ગંધ; ચૂંટણી અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર મૌન કેમ?

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ છે. છતાં પણ સત્તાધારી પક્ષના ઈશારે તંત્ર દ્વારા આચારસંહિતાના કાયદાઓને ઘોળીને પી જવામાં આવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરનાં પોશ ગણાતા કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક પાસે, પેટ્રોલ પંપ ચાર રસ્તા નજીક હાલમાં કોઈપણ જાતની મંજૂરી કે કાયદાકીય પ્રક્રિયા વગર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.આક્ષેપ છે કે એક વગદાર બિલ્ડરને ફાયદો કરાવવા માટે પૂર્વ કોર્પોરેટર અને અત્યારના ઉમેદવારનાં ક્વોટાના નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થયા બાદ કોઈપણ નવા વિકાસલક્ષી કામો, જેનાથી મતદારો પ્રભાવિત થઈ શકે અથવા કોઈ વ્યક્તિગત લાભ થતો હોય, તેવા કામો પર કડક પ્રતિબંધ હોય છે. પરંતુ કારેલીબાગનાં આ કિસ્સામાં જાણે કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ લાગે છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, કોઈપણ જાતની પૂર્વ સૂચના વગર અચાનક જેસીબી અને મજૂરો કામે લાગી ગયા છે. આ ડ્રેનેજ લાઇન નાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નજીકમાં બની રહેલી નવી સ્કીમ કે બિલ્ડિંગને લાઇન જોડીને બિલ્ડરનો ખર્ચ બચાવવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જ્યારે આખા શહેરમાં પોલીસ અને ચૂંટણી પંચની ટીમો કાર્યરત છે, ત્યારે ધોળા દિવસે આટલું મોટું ખોદકામ અને પાઈપલાઈન નાખવાનું કામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? શું વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર કે કમિશનર આ બાબતથી અજાણ છે?જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે, તેમ છતાં સત્તાધારી પક્ષના પૂર્વ કોર્પોરેટરો બેફામ બનીને સરકારી તિજોરીનાં નાણાંનો ઉપયોગ અંગત હિત સાધવા કરી રહ્યા છે. શાસક પક્ષને ખબર છે કે તેમની સામે લોકરોષ છે, એટલે ચૂંટણી પહેલા બિલ્ડરો અને મળતિયાઓને રાજી રાખવા માટે આખરી પ્રયાસો થઈ રહ્યા છે.પૂર્વ કોર્પોરેટરનાં ક્વોટાના કામો, જે ખરેખર જાહેર જનતાના હિતમાં હોવા જોઈએ, તેને બદલે ખાનગી બિલ્ડરોના પ્રોજેક્ટમાં સરકારી મશીનરી જોતરી દેવામાં આવી છે.
શું તંત્ર આ ગેરકાયદેસર કામ રોકવાની હિંમત બતાવશે?
ચૂંટણી એક પારદર્શક પ્રક્રિયા હોવી જોઈએ, પરંતુ વડોદરામાં જે પ્રકારે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે શાસકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. જો જિલ્લા ચૂંટણી અધિકારી, વહીવટદાર અને મ્યુનિસિપલ કમિશનર આ મામલે કડક વલણ નહીં અપનાવે, તો આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.
શું તંત્ર આ ગેરકાયદેસર કામ રોકવાની હિંમત બતાવશે? કે પછી સત્તાના જોરે આ ભ્રષ્ટાચાર પણ દબાઈ જશે?
Reporter: admin







