ગાંજાના વેચાણમાં સંડોવાયેલ આરોપી લાંબા સમયથી પોલીસથી બચતો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો
વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થોના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરતા લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે.આ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ન્યુ વી.આઈ.પી. રોડ નજીક નટવરનગર નાકા વિસ્તારમાંથી ભરતભાઈ ગબ્બરભાઈ સોલંકી (ઉંમર 31, રહે. શક્તિનગર, ખોડિયારનગર) ને શોધી કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી વર્ષ 2025 દરમિયાન ખોડિયારનગર વિસ્તારમાં ગાંજાના જથ્થાનું વેચાણ કરાવવા માટે સગીરનો ઉપયોગ કરતો હતો.
આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને ત્યારથી આરોપી ફરાર હતો.પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીએ પોતાના આર્થિક લાભ માટે કાયદા સાથે સંઘર્ષમાં આવેલા કિશોરને દૈનિક વેતન પર રાખીને ગાંજાનું વેચાણ કરાવ્યું હતું. અગાઉ પોલીસે રેડ દરમિયાન કિશોર પાસેથી આશરે 61.44 ગ્રામ ગાંજો, રોકડ રકમ, મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી કુલ રૂ. 5770નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં શરૂઆતથી જ ભરત સોલંકીનું નામ ખુલ્યું હતું.પકડાયેલા આરોપી સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, મારામારી અને NDPS એક્ટ હેઠળના કુલ છ જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીને વધુ પૂછપરછ અને કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી, પો.સબ ઇન્સ્પેક્ટર એસ.ટી. સાંડસરુ તેમજ ટીમના ભગીરથસિંહ, કિરણભાઈ, જેનલુઆબેદીન, અજીતસિંહ, કાન્તાભાઈ, નિતિનભાઈ, હરિન્દ્રસિંહ, સંજયભાઈ અને દીપકભાઈના સંયુક્ત પ્રયત્નોથી સફળ બની હતી. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin







