ઓડિયો બોમ્બથી ભાજપમાં ભુકંપ: વોર્ડ-10નાં ઉમેદવારની ખુલ્લી ધમકી, “ચૂંટણી પછી હિસાબ કરીશ”
પોસ્ટર વોર પછી ઓડિયો વોર—સમર્થક જ બન્યો વિરોધી, ભાજપનાં આંતરિક કલહનો વિસ્ફોટ
મને હરાવી દેજે નહીં તો બહુ દુઃખી થઈશ”—વાયરલ ઓડિયોથી રાજકીય તાપમાન ઉંચું, મત પહેલા જ ધમકીની રાજનીતિ સામે ઉઠ્યા સવાલો
વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે ઓડિયો વોર: વોર્ડ-10ના ભાજપ ઉમેદવાર નીતિન દોંગાની યુવકને ખુલ્લી ધમકી, ચૂંટણી પછી તારો પર્સનલ હિસાબ કરીશ....

હિન્દુત્વ અને વિકાસની વાતો વચ્ચે ભાજપનાં જ પૂર્વ સમર્થક અને ઉમેદવાર વચ્ચેનો સંવાદ વાયરલ થતા રાજકીય ગરમાવો | “હું મીડિયાનાં બાપથી પણ નથી ડરતો, મને હરાવી દેજે નહીં તો બહુ દુઃખી થઈશ” જેવી ઓડિયોમાં વાતચીત.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે લોકશાહીનાં મૂલ્યો કરતાં વ્યક્તિગત આક્ષેપો અને ધમકીઓ પર ઉતરી આવ્યો હોય તેમ જણાય છે. શહેરનાં વોર્ડ નંબર 10માં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી 'પોસ્ટર વોર' હવે સોશિયલ મીડિયા પર ઓડિયો વોરમાં પરિવર્તિત થઈ છે. ભાજપનાં રિપીટ ઉમેદવાર નીતિન દોંગા અને એક સમયે તેમના જ સમર્થક ગણાતા ક્રાંતિકારી સેનાના યુવાન શ્રેયાંસ પટેલ વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થતા ભાજપ છાવણીમાં દોડધામ મચી ગઈ છે.આ ઓડિયોમાં નીતિન દોંગા યુવકને ચૂંટણી પછી 'હિસાબ' કરવાની અને 'બહુ દુઃખી' કરવાની ધમકી આપતા સંભળાય છે. વોર્ડ નંબર 10માં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા ત્યારથી જ અસંતોષની જ્વાળાઓ ભભૂકી રહી છે. સૌપ્રથમ મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ બેનરો લાગ્યા હતા. ત્યારબાદ ગત ટર્મના કાઉન્સિલર અને ફરીથી ઉમેદવારી નોંધાવનાર નીતિન દોંગા વિરુદ્ધ વિસ્તારમાં પોસ્ટરો લાગ્યા હતા. આ પોસ્ટરોમાં નીતિન દોંગાના કામો અને વહીવટ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.ક્રાંતિકારી સેના દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેણે રાજકીય વાતાવરણ તંગ બનાવ્યું હતું. વાયરલ થયેલા ઓડિયોમાં નીતિન દોંગા અને શ્રેયાંસ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. શરૂઆતમાં નીતિન દોંગા યુવકને દીકરા કહીને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે યુવક પોતાના સ્ટેન્ડ પર અડગ રહે છે ત્યારે દોંગાનો મિજાજ છટકી જાય છે.સામે નારાજ કાર્યકર એની વાતોને વળગી રહે છે.ચૂંટણી એ જનતાનો દરબાર છે, જ્યાં ઉમેદવારે કરેલા કામોનો હિસાબ આપવાનો હોય છે. પરંતુ વાયરલ ઓડિયોમાં જે પ્રકારની ભાષાનો પ્રયોગ થયો છે—"ચૂંટણી પછી જોઈ લઈશું," "બહુ દુઃખી થઈશ"—તે લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડે તેવી છે. મતદારોમાં ચર્ચા છે કે જો ઉમેદવાર જીત્યા પહેલા જ આવી ધમકીઓ આપતા હોય, તો જીત્યા પછી સામાન્ય નાગરિકની શું હાલત થશે?વડોદરાની જનતા હંમેશા શાંતિપ્રિય રહી છે, પરંતુ ચૂંટણીનાં ટાણે ઉમેદવારો દ્વારા આપવામાં આવતી ધમકીઓ વાતાવરણ ડહોળી રહી છે. નીતિન દોંગા અને શ્રેયાંસ પટેલ વચ્ચેનો આ વિવાદ માત્ર વોર્ડ-10 પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સત્તાધારી પક્ષના અહંકાર અને કાર્યકરોના અસંતોષનું પ્રતિબિંબ પાડે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ મામલે કોઈ પગલાં ભરે છે કે પછી 'સબ સલામત'ના દાવાઓ વચ્ચે ચૂંટણી લડે છે. ૨૬ તારીખનું મતદાન અને ૨૮ તારીખનું પરિણામ જ નક્કી કરશે કે જનતાને કોનો 'હિસાબ' મંજૂર છે.

વાતચીતન્ મુખ્ય અંશો:
નીતિન દોંગા: તે મારા વિરુદ્ધ પોસ્ટર કેમ લગાવ્યા?
શ્રેયાંસ પટેલ: લોકો અમને પૂછે છે કે વિસ્તારમાં શું કામ થયા? અમારે શું જવાબ આપવો? તમે હિસાબ આપી દો ને.
નીતિન દોંગા: હું હિસાબ આપીશ અને તારો 'પર્સનલ' હિસાબ પણ કરીશ. હું મીડિયાનાં બાપથી પણ નથી ડરતો, તો તું કઈ વાડીનો છે?
શ્રેયાંસ પટેલ: તમે અવનીબેન વખતે આને કોંગ્રેસ પ્રેરિત કાવતરું કહ્યું હતું, હું ક્યાં કોંગ્રેસનો માણસ છું? હું તો આ અભિયાન ચાલુ જ રાખીશ.
નીતિન દોંગા: તું મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે. પણ જો હું જીતી ગયો તો 28 તારીખ પછી તું બહુ દુઃખી થઈશ. તે મારી પીઠમાં ખંજર માર્યું છે. અત્યારે જ મળ.
સમર્થક જ બન્યો વિરોધી, ભાજપ માટે ચિંતાનો વિષય
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શ્રેયાંસ પટેલ એક સમયે નીતિન દોંગા અને ભાજપનો કટ્ટર સમર્થક હતો. તે હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલો યુવાન છે. ભાજપના જ પૂર્વ સમર્થકો જ્યારે ઉમેદવાર સામે મોરચો માંડે છે, ત્યારે પક્ષની શિસ્ત સામે મોટા સવાલો ઉભા થાય છે. નીતિન દોંગાએ ઓડિયોમાં સ્વીકાર્યું છે કે "તું પટેલનો દીકરો હતો એટલે મેં બહુ માન રાખ્યું," જે દર્શાવે છે કે આ લડાઈ હવે જ્ઞાતિગત અને વ્યક્તિગત વેરઝેર તરફ વળી રહી છે.લોકશાહીમાં ડરનું વાતાવરણ?
વોર્ડ-10માં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ
વડોદરાનો વોર્ડ નંબર 10 ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ આ વખતે અહીં સ્થિતિ અલગ છે. આ વખતે ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. અવની સ્ટેમ્પવાલા અને નીતિન દોંગા બંને સામે પત્રિકા અને પોસ્ટર વોર થઈ છે. હવે સામે વિપક્ષ તો છે જ, પણ ક્રાંતિકારી સેનાનો મોરચો શરૂ થયો છે અને સ્થાનિક યુવાનો સંગઠિત થઈને શાસકોને પ્રશ્નો પૂછી રહ્યા છે. એક બાજુ ભાજપ હિન્દુત્વના નામે મતો માંગે છે, તો બીજી બાજુ હિન્દુવાદી સંગઠનોના યુવાનો જ ભાજપના ઉમેદવારની કાર્યપદ્ધતિથી નારાજ છે.
Reporter: admin







