પ્રચારના નામે ભાજપ ઉમેદવારોના ડિજિટલ ફૂટ પ્રિન્ટ બનાવવામાં વ્યસ્ત
સંઘના વર્ચસ્વને ઘટાડવા કોંગ્રેસ સામે નહીં ભાજપની સંઘ સામે જ સીધી લડત
ભાજપના હિતરક્ષકો દ્વારા ભાજપના ઉમેદવારો વિરુધ્ધ પ્રચારની રમત
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર હવે, અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. ઉમેદવારોના ક્રમાંક પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે, પ્રચાર માટે ભાજપ દ્વારા સોશિયલ મિડીયાનો સહારો લેવામાં આવી રહ્યો છે. જેની પાછળ અનેક કારણો સામે આવી રહે છે. જેમાં એક કારણ પ્રચારકોની સંખ્યા પણ છે. ઉમેદવારો સાથે પ્રચાર કરવા માટે કાર્યકરો નથી અને હોદ્દેદારોને બોલાવવામાં આવી રહ્યા નથી, જેના પગલે ઉમેદવારો સાથે પ્રચાર કરવા માટે પૂરતું સંખ્યાબળ જ નથી. જેના પગલે ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવા માટે સોશિયલ મિડીયા પર પ્રચાર પાછળ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડીયામાં ઉમેદવારોની સાફ, સુથરી અને પ્રચલિત છબી બતાવી ડિજિટલ ફૂટ પ્રિન્ટ ઊભી કરવામાં આવી રહી છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપ કરતાં સંઘ (રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ)નો હાથ વધારે ઊંચો રહ્યો છે. ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હાલના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની સાથે મળી સંઘ દ્વારા મોટાભાગના નામો સંઘમાંથી જ લેવામાં આવ્યા છે, અથવા સંઘના પાયાના કાર્યકરો પાસેથી મળેલા ઈનપુટ પરથી નામની પસંદગી કરવામાં આવી છે. જેના પગલે ભાજપના આંતરિક વિરોધ પણ ચરમસીમા પર પહોંચી ગયો છે. ભાજપ અને સંઘ વચ્ચેની લડાઈમાં ભોગ ભાજપના ઉમેદવારોનો જ લેવાય તેવી શક્યતા હાલ સેવાઇ રહી છે. ભાજપના જ કેટલાક કહેવાતા હિતરક્ષકો દ્વારા ભાજપના ઉમેદવારોને મત ન આપવા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેની માટે સિસ્ટમ પણ ભાજપની જ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જેની સામે શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની દ્વારા સોશિયલ મિડીયાનો સહારો લેવામાં આવ્યો છે. એક તરફ મતદારો સુધી પહોંચવા માટે ઉમેદવારો પાસે સમય નથી અને બીજી તરફ કાર્યકરોની ફોર્સ પણ નથી. ગણતરીના કાર્યકરો સાથે ઉમેદવારો વિસ્તારમાં જાય તો વિરોધ થઈ રહ્યો છે. જેના કારણે ઉમેદવારોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, જે વિસ્તારમાં પ્રચાર કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યાં પ્રચાર શરૂ તો કરવામાં આવે છે પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેરણી કરવામાં આવતી નથી. પરંતુ સોશિયલ મિડીયા પર વિસ્તારમાં ફેરણી કરી તેવો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં સંઘ અને ભાજપ વચ્ચેની લડાઈમાં હવે, સંઘે સોશિયલ મિડીયાને જ મોટું હથિયાર બનાવ્યું છે. જેથી યુવા મતદારોને આકર્ષી શકાય, વિરોધ થતો અટકાવી શકાય, ઉમેદવારોને કાર્યકરો પાછળ ખર્ચ ન કરવો પડે, કાર્યકરોની જરૂર ન પડે, પ્રચાર ફેરણીમાં હોદ્દેદારોની અવગણના સીધી નજરે ન પડે સહિતના અનેક નકારાત્મક પરિબળોને ઢાંકી શકાય. સોશિયલ મિડીયા પર ભાજપના કહેવાતા કાર્યકરો દ્વારા સતત ફોટો અને ફેરણીના વિડીયો મૂકવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાં નથી ગયા તેના નામો પણ લખી દેવામાં આવે છે, જેથી સતત પ્રચાર થઈ રહ્યો એવો ભ્રમ મતદારોમાં ઊભો કરી શકાય. બીજી તરફ ભાજપના ઉમેદવારોને હરાવવા નીકળેલા ભાજપના જ હિતરક્ષકો પણ સોશિયલ મિડીયાનો જ સહારો લઈ રહ્યા છે. તેઓ પણ ભાજપની સંપૂર્ણ સિસ્ટમનો ઉપયોગ કરી ભાજપના ઉમેદવારોને મત નહીં આપવા પ્રચાર કરી રહ્યા છે. જેની પાછળનો મુખ્ય હેતુ ચૂંટણીના નબળા પરિણામથી સંઘમાંથી આવેલા શહેર પ્રમુખ જેને ભાજપ સાથે સ્નાન સૂતકનો કોઈ સંબંધ નથી તેમની કાર્યક્ષમતા સામે સવાલો ઊભા કરી શકાય તેનો જ છે.
ઉમેદવાર ક્રમાંકમાં પણ નંબર ગેમ કરાઇ
ઉમેદવારોને ક્રમાંક આપવાના રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમો જુદા જુદા છે. બીજી રીતે કહી શકાય કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પોતાના નિયમોથી કોઈ એક પક્ષને ફાયદો થાય તેવી રમત રમવામાં આવે છે. જેથી ઉમેદવારોના ચૂંટણી ક્રમાંક આપવામાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેનો ફાયદો કોઈ એક પક્ષ કે પછી કોઈ એક ઉમેદવારને થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જે રમત આ વખતે ઉમેદવાર ક્રમાંક આપવામાં પણ રમવામાં આવી હોવાનું અનેક વોર્ડમાં સ્પષ્ટ દેખાય છે.
કોંગ્રેસના ગઢમાં મતદાન ઘટાડવા મથામણ
કોર્પોરેશનમાં ભાજપના ગત બોર્ડ દ્વારા શહેરના વિકાસના કામો કરવામાં આવ્યા નથી તે સ્પષ્ટ દેખાય છે. તેમજ ભાજપના જ નેતા ભૂપેન્દ્ર લાખાવાળા દ્વારા આ વાત જાહેરમાં મિડીયા સમક્ષ પણ કહેવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે આક્રમક બની છે. કોંગ્રેસમાં આવેલા કેટલાક ઉમેદવારોનું તેમના વિસ્તારમાં વર્ચસ્વ વધારે છે, અને તેની અસર શહેરના અન્ય વોર્ડમાં પણ થઈ શકે તેમ છે. જેથી ભાજપ દ્વારા કોંગ્રેસના ગઢ ગણાતા મત વિસ્તારમાં મતદાન ઘટાડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક પૂર્વ અને મોટા નેતાઓને વિસ્તાર સોંપી પણ દેવામાં આવ્યા છે, જેઓએ સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક કરી ૨૬ તારીખે તે વિસ્તારમાં મતદાન ઓછું થાય તે અંગે જરૂરી પગલાં લેવા સૂચના પણ આપી દીધી છે.
સંઘ અને ભાજપની લડાઈમાં ઉમેદવારોની બલી લેવાશે
કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે ભાજપની લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ સંઘ સાથે છે. આ વાત માત્ર વડોદરા પૂરતી જ સીમિત છે. જેમાં ભાજપનું પ્રદેશ સંગઠન પણ સ્થાનિક ભાજપના નેતાઓને સમર્થન કરી રહ્યું છે. જેથી વડોદરામાં શહેર પ્રમુખ માટે ખેલાયેલા ખેલ બાદ વધી રહેલા સંઘના પ્રભાવને ઘટાડી કે દબાવી શકાય. જેનો સીધો ભોગ ભાજપના ઉમેદવારો જ બને તેવી શક્યતા સેવાઇ રહી છે. ભાજપના કાર્યકરો દ્વારા સત્તાપક્ષ અને વિપક્ષમાં બે બે બેઠકની વહેંચણી કરતો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ વખતના મતદાનમાં તેની અસર દેખાય તો નવાઈ નહીં.
સ્થળ પર ગયા વિના જ સોશિયલ મીડીયા પર પ્રચાર
ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો જે ઉમેદવારો સાથે પ્રચારમાં જાય છે તેઓ દ્વારા સોશિયલ મિડીયા પર પહેલાથી જ કયા જવાના છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. પછી તે જાહેરાત અનુસાર ફેરણી શરૂ કરવામાં આવે છે, પરંતુ તમામ સ્થળે મતદારોની મુલાકાત લીધા વિના જ શરૂઆતમાં ફોટો વિડીયો લઈ લેવામાં આવે છે. જેના આધારે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી લખી દેવામાં આવે છેકે, અમે તમામ વિસ્તારમાં ફેરણી કરી, પરંતુ તે હકીકત હોતી નથી.
પૂર્વ કાઉન્સિલરોએ મતદાર સામે જતાં ગભરાય છે
વર્ષ ૨૦૨૧માં કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય થઈ પોતાના વોર્ડના વિકાસની જવાબદારી લેનાર જનપ્રતિનિધિઓ દ્વારા કોઈ જ વિકાસના કામો કરવામાં આવ્યા નથી. મોટાભાગે શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ, રસ્તા, ડ્રેનેજની સમસ્યા યથાવત છે. સ્થાયી સમિતિની બેઠકમાં મોટા ઉપડે કામો લાવવામાં આવે, ચર્ચા કરવામાં આવે, મંજૂર કરવામાં આવે પરંતુ ખરેખર તે કામ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. એટલું જ નહીં, મતદારોને શું મુશ્કેલી પડે છે તે જોવા પણ કાઉન્સિલર ક્યારેય ગયા જ નથી. જેથી હવે, નવા ઉમેદવારોને લઈને પોતાના વિસ્તારમાં ફરતા ગત બોર્ડના કાઉન્સિલર ગભરાઈ રહ્યા હોય ફેરણીમાં પણ નજરે પડતાં નથી.
સોશિયલ મિડીયા પર થઈ રહેલા પ્રચારનો ખર્ચ ગણાશે?
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોના ખર્ચ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ઉમેદવાર કે પાર્ટી દ્વારા સોશિયલ મિડીયા પર કરવામાં આવતા પ્રચાર પાછળ પણ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મતદારોની ડિજિટલ ફૂટ પ્રિન્ટ બનાવવા માટે ખાસ એજન્સીને કામ આપવામાં આવ્યા છે, જેમણે પણ મસમોટી રકમ ચૂકવવામાં આવી છે, શું તેનો હિસાબ ચૂંટણી પંચના અધિકારીઓએ લઈ રહ્યા છે કે પછી તે બાબતે તેમણે કોઈ જાણકારી જ નથી.
Reporter: admin







