News Portal...

Breaking News :

વડોદરામાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન હુમલો, ત્રણ આરોપી ઝડપાયા

2026-04-18 11:34:19
વડોદરામાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન હુમલો, ત્રણ આરોપી ઝડપાયા


સરકારી ફરજમાં અડચણ ઉભી કરી ગાયને ભગાડવાનો બનાવ



ગોરવા વિસ્તારમાં ઢોર પાર્ટી અને પોલીસ પર હુમલો થયો
વડોદરાના ગોરવા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન સરકારી ફરજમાં અડચણ ઊભી કરવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં ત્રણ વ્યક્તિઓએ ઢોર પાર્ટીના કર્મચારીઓ અને પોલીસ સાથે દુર્વ્યવહાર કરી ગાયને છોડાવી દીધી હતી. આ બનાવ બાદ પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, તારીખ 14 એપ્રિલના રોજ સવારે અંદાજે 9:30 વાગ્યે ગોરવા વિસ્તારના સેન્ટ મેરી સ્કૂલ સામે જાહેર માર્ગ પર વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ તથા પોલીસ સાથે મળી કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક લાલ રંગની ગાયને પકડવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન ત્રણ વ્યક્તિઓ અચાનક સ્થળ પર પહોંચી ગયા અને ઢોર પકડવાની કામગીરીમાં અડચણ ઊભી કરી.


આરોપીઓએ ગાયને છોડાવવા માટે કર્મચારીઓ સાથે બોલાચાલી કરી અને ગાયને માર મારીને જાહેર માર્ગ પર ભગાડી દીધી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં જોખમ ઉભું થયું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી અને ત્રણેય આરોપીઓને શોધી કાઢ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અજય ઉર્ફે અજલો ધનાભાઈ રબારી (ઉંમર 28), નરેશ ઉર્ફે નરયો મોહનભાઈ ભરવાડ (ઉંમર 24) અને હદપક ઉર્ફે હદપો નાગજીભાઈ રબારી (ઉંમર 35)નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ વડોદરાના અલગ-અલગ વિસ્તારોના રહેવાસી છે.આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો હેઠળ તેમજ સંબંધિત કાયદાઓ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે જાહેર માર્ગ પર આ પ્રકારની હરકતો અન્ય લોકો માટે જોખમકારક બની શકે છે અને આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ બનાવ બાદ ગોરવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post