News Portal...

Breaking News :

ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન

2026-04-18 13:24:44
ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન


સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં હંમેશાની જેમ આ વર્ષે પણ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ભવ્ય મહિમા જોવા મળશે. 


ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઇને નગરજનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે.આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન દર્ભાવતી (ડભોઈ)ના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા કરવામાં આવ્યું છે.વર્ષોની પરંપરા મુજબ આ શોભાયાત્રા વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સ્થિત સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી અમદાવાદી પોળ ખાતે આવેલા પંચમુખી મહાદેવ મંદિર ખાતે વિરામ લેશે. આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો ભક્તિભાવથી ગુંજી ઉઠશે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે.


ખાસ વાત એ છે કે આ શોભાયાત્રા સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પણ બની રહી છે. આયુર્વેદિક ચાર રસ્તાથી માંડીને માંડવી ગેટ સુધી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, જે સમાજમાં ભાઈચારા અને સૌહાર્દનો સંદેશ આપે છે.ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે આ વર્ષે શોભાયાત્રા વિશેષ ભવ્યતા અને ભક્તિમય વાતાવરણ સાથે યોજાશે, જેમાં વિશાળ જનસમર્થન મળશે. ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાનો સમય સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ લોકો તેમાં ભાગ લઈ શકે.આ વર્ષે ભગવાન પરશુરામજીની આકર્ષક અને ભવ્ય મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે. ઉપરાંત શહેરના હાર્દ સમા લહેરીપુરા ગેટ પાસે કાશીના પ્રતિષ્ઠિત પંડિતો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.અંતમાં ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ વડોદરા શહેર અને જિલ્લાના તમામ હિન્દુઓ તેમજ સનાતન પ્રેમીઓને આ ભવ્ય શોભાયાત્રામાં સહભાગી થવા અને મહાઆરતીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

Reporter: admin

Related Post