News Portal...

Breaking News :

ખોટી જગ્યાએ, ખોટી રજુઆત : સાંસદ અને ધારાસભ્યો વિશ્વામિત્રીના ગેરકાયદેસર બાંધકામો તોડવાના બદલે લ

2025-03-09 10:38:43
ખોટી જગ્યાએ, ખોટી રજુઆત : સાંસદ અને ધારાસભ્યો વિશ્વામિત્રીના ગેરકાયદેસર બાંધકામો તોડવાના બદલે લ


વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોષી અને ધારાસભ્યોએ આજે એક એવું કામ કર્યું કે તેને જાણીને વડોદરાવાસીઓને આઘાત લાગ્યો છે. પોતાને લગતી કામગીરી કરવાના બદલે સાંસદ ડૉ.હેમાંગ જોષી અને ધારાસભ્યો કેયુર રોકડીયા, બાળકૃષ્ણ શુકલ, યોગેશ પટેલ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને મળવા ગયા હતા અને તે પણ લારી –ગલ્લા હટાવવા માટે,ડીવાઈડર ઉપરનાં પેઈન્ટ કરાવવા બાબતે, ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવા બાબતે. સાંસદ અને ધારાસભ્યો પાસે હવે જનતાને સળગતા પ્રશ્નોને વાચા આપવાનું કોઈ કામ બચ્યું નથી. જેથી તેઓ આવા ક્ષુલ્લક કહી શકાય તેવા કામ માટે પોલીસ કમિશનરને મળવા પહોંચી ગયા હતા. વડોદરા શહેરની કમનસીબી છે કે સાંસદ અને ધારાસભ્યો ટ્રાફિક એટલે કે લારી ગલ્લાની સમસ્યા લઇને પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા. પણ આ રજૂઆત તેમણે કોર્પોરેશનનાં કમિશનર દિલીપ રાણાને કરવાની હોય.મ્યુનિ.કમિશનર દિલીપ રાણા હવે સાંસદ કે ધારાસભ્યોને ગાંઠતા નહી હોય કે તેમની રજૂઆતો સાંભળતા નહી હોય તો જ તેમને જેમનો વિષય નથી તેવા પોલીસ કમિશનરને મળીને રજૂઆતો કરવી પડી. નવાઇની વાત એ છે કે લારી ગલ્લા હટાવાની રજૂઆતો કરવા આવા કદાવર નેતાઓએ ખાસ ટાઇમ ફાળવ્યો અને તેમણે પોલીસ કમિશનરને રજૂઆતો કરી દીધી. વાસ્તવમાં શહેરના સાંસદ ડૉ.હેમાંગ જોશી કે આ ધારાસભ્યોનું આ કામ જ નથી. ધારાસભ્યોએ તો પોતાના મતવિસ્તારમાં રસ્તા, પાણી, ગટર, મોટા પ્રોજેક્ટ સહિત એવા પ્રશ્નો કે જેની રજૂઆતો ગાંધીનગર કરીને પોતાના મતવિસ્તાર માટે સારી ગ્રાન્ટ લઇ આવે અને તે જ રીતે સાંસદે તો શહેર અને લોકસભા મતવિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રોજેક્ટોની ગ્રાન્ટ કેન્દ્ર સરકારમાંથી લઇ આવવાની હોય, લારી ગલ્લા હટાવવાની રજૂઆતો કે કામગીરી તો મેયર, સ્થાયી ચેરમેન, કોર્પોરેટરો, વોર્ડ ઓફિસરો અને પાલિકાની દબાણ શાખાના અધિકારીઓની છે. જો લારી ગલ્લા હટાવવાની વાત હોય તો સાંસદે અને ધારાસભ્યોએ મેયરને કહી દેવું જોઇએ અથવા કોર્પોરેટરોને કહી દેવું જોઇએ પણ તેના બદલે તેઓ સીધા પોલીસ કમિશનર પાસે પહોંચી ગયા. સાંસદ અને ધારાસભ્યોએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી એવા પ્રોજેક્ટ વડોદરામાં લાવવા જોઇએ કે જેનાથી વડોદરાવાસીઓને ફાયદો થાય. પણ તેઓ તો લારી ગલ્લા જેવો પ્રશ્ન સળગતો પ્રશ્ન દેખાયો અને ઉંધુ નાખીને પહોંચી ગયા, પોલીસ કમિશનર પાસે. આ કામ તો મ્યુનિ.કમિશનરનું છે અને તેમને  બંદોબસ્ત ફાળવવાનું કામ પોલીસ કમિશનરનું છે.તેમને શહેરમાં પ્રજા જે ભોગવી રહી છે તે સમસ્યા હલ કરવાનો ટાઇમ નથી . જો કે આ પ્રકારના નાટકો કરીને આ નેતાઓ પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવા શહેર ભાજપ પ્રમુખને તેઓ બતાવવા આ નાટક કરી રહ્યા છે કે જુઓ અમે કેટલા કામો પ્રજા માટે કરીએ છીએ. લારી ગલ્લા એ વોર્ડ લેવલનો વિષય છે અને માત્રને માત્ર પાલિકાની કામગીરી છે. નેતાઓએ સમજવું જોઇએ કે પ્રજા બધું જ જુએ છે અને તમારા નાટકોમાં ફસાય તેવું હવે રહ્યું નથી. લોકોને ખબર છે કે આ કેટલાક બિલ્ડરોના ઇશારે થઇ રહ્યું છે. જે બિલ્ડરોને પોતાની સાઇટની આસપાસ આવા લારી ગલ્લા નડે છે તેવા બિલ્ડરોને ફાયદો કરાવવા સાંસદ અને ધારાસભ્યો પોલીસ કમિશનર પાસે પહોંચી ગયા હતા. 





બિલ્ડરોને ફાયદો કરાવાનો સાંસદ અને ધારાસભ્યોનો કારસો...
સાંસદ અને ધારાસભ્યોએ જો કામગીરી જ બતાવવી હોય તો તેમણે અંગત રસ લઇને વિશ્વામિત્રીના પટમાં ઉભા થઇ ગયેલા ગેરકાયદેસરના દબાણો તોડવાની કોર્પોરેશનમાં રજૂઆતો કરવાની હોય અને જો મ્યુનિ.કમિશનર તેમને ગાંઠતા ના હોય તો તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવાની હોય કારણ કે વિશ્વામિત્રીના પટમાં થયેલા ગેરકાયદેસરના બાંધકામોના કારણે દર વર્ષે વિશ્વામિત્રીમાં પૂર આવી રહ્યું છે અને લોકોને કરોડોનું નુકશાન થઇ રહ્યું છે. જેથી ગેરકાયદેસરના દબાણો તોડી ફરી પૂર ના આવે તે જોવાની જવાબદારી સાંસદ અને ધારાસભ્યોની છે. વિશ્વામિત્રીના પટમાં અગોરા મોલ જેવા અનેક દબાણો છે પણ તે સાંસદ અને ધારાસભ્યોને દેખાતા નથી. અગોરામોલનાં ડેવલપર્સને બચાવી લેવામાં આવે છે. પૂર બાદ પ્રજાના રોષ ને જોતાં પાલિકાએ આવા ગેરકાયદેસરના દબાણો તોડવાનું માત્ર નાટક જ કર્યું હતું અને હવે આ નેતાઓ લારી ગલ્લા હટાવવા માટે બિલ્ડરોની ભલામણ માનીને રજૂઆતો કરવા નિકળ્યા છે. મહત્વની વાત એ છે કે ઘણા બિલ્ડરો એવા છે કે તેમની સ્કીમની બહાર અને આસપાસ લારી ગલ્લા સહિતના દબાણો છે અને તેના કારણે આ બિલ્ડરોની સ્કીમ વેચાતી નથી જેથી બિલ્ડરો દ્વારા આ નેતાઓને લોભ લાલચ અપાય છે અને નેતાઓ લારી ગલ્લા હટાવવા રજૂઆતો કરવા પહોંચી જાય છે . લારી ગલ્લા હટાવવાની રજૂઆતો કરીને આ નેતાઓ ગરીબ અને મધ્યમવર્ગ પર દબાણ લાવી રહ્યા છે અને તે તેમણે બંધ કરવું જોઇએ. તેમને જો લારી ગલ્લા જ હટાવવા હોય તો પાલિકાના કમિશનરને રજૂઆતો કરવી જોઇએ. તેમને જો પ્રજાનું હિત જોઇતું હોય તો ફરી વડોદરામાં પૂર ના આવે તેવા પ્રયાસો કરવા જોઇએ અને 100 દિવસમાં વિશ્વામિત્રીમાં કામગીરી કેવી રીતે પૂર્ણ કરવી જોઇએ તે મહત્વના કામ પર ફોક્સ કરવું જોઇએ. વરસાદી કાંસો પર થઇ ગયેલા દબાણો દુર કરવા જોઇએ અને આડાશો દુર કરવા જોઇએ. 



નેતાઓને ખબર નથી કે લારી ગલ્લા કેટલા લોકોનું પેટ ભરે છે...
ધન દોલતમાં આળોટતા આ નેતાઓને ખબર નહી હોય કે લારી ગલ્લા દ્વારા કેટલાય ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોનું પેટ ભરાય છે. તેમના પરિવારોનું ગુજરાન થાય છે. સરકાર આવા પરિવારોને યોગ્ય રોજગાર આપી શકતી નથી અને તેથી જ તેમને આ રીતે લારી ગલ્લા લગાવીને પોતાના પરિવારનું ગુજરાન કરવું પડે છે. ખરેખર તો નેતાઓએ આ લારી ગલ્લા હટાવવા જ હોય તો તેમને અલગ સ્થળે ખાસ જગ્યા આપવી જોઇએ જેથી તેઓ ત્યાં લારી ગલ્લા લગાવી પોતાનો રોજગાર કરી શકે. માનવતાની દ્રષ્ટીએ કામ કરવાના બદલે આ નેતાઓ પોતાના સ્વાર્થ માટે જ કામ કરે છે. જે લોકો સક્ષમ છે તેવા લોકો પાસેથી ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદેસરને કાયદેસર કરવા જોઇએ, લારી ગલ્લા વાળા જે પોતાના સ્વમાનથી કમાય છે. તેમના માટે પાલિકા દ્વારા અલાયદી વ્યવસ્થા કરાવવી જોઇએ પણ તેના બદલે લારી ગલ્લા હટાવાની વાતો થઇ રહી છે. પ્રજા હવે આવા ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા નેતાઓને ઓળખી ગઇ છે. નેતાઓએ સમજી લેવું જોઇએ કે આ છેલ્લી ટર્મ છે તો તેમણે હવે પ્રજાના હિતમાં કામ કરવું જોઇએ. તેમને કામ જ કરવું છે તો શહેરની અંદર બેફામપણે જે ભારદારી વાહનો ફરે છે અને લકઝરી બસો તથા જેસીબી ફરે છે તે માટે રજૂઆતો કરવી જોઇએ પણ તેમાં આ નેતાઓ રજૂઆતો નહી કરે.

Reporter: admin

Related Post