News Portal...

Breaking News :

વૃદ્ધ મહિલાઓને છેતરીને ગઠિયાઓ સોનાના દાગીના તફડાવીને ફરાર

2025-03-09 14:16:01
વૃદ્ધ મહિલાઓને છેતરીને ગઠિયાઓ સોનાના દાગીના તફડાવીને ફરાર


વડોદરા: મારા શેઠના ઘરે વર્ષો પછી છોકરાનો જન્મ થયો છે. તેવું કહીને બે વૃદ્ધ મહિલાઓને છેતરીને  ગઠિયાઓ સોનાના  દાગીના તફડાવીને ફરાર થઇ  ગયા હતા. જે અંગે દાગીના ગુમાવનાર મહિલાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




કિશનવાડી ગધેડા માર્કેટ પાસે ભાથુજી ચોકમાં રહેતા ૬૦ વર્ષના ભાનુબેન ભગવાનભાઇ માછી કારેલીબાગ સ્વામિ નારાયણ મંદિર પાસે લીલું ઘાસ વેચવાનું કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૭ મી એ સાંજે છ વાગ્યે હું તથા અમારી નજીકમાં રહેતા લક્ષ્મીબેન માછી ગધેડા માર્કેટ શાકભાજી લેવા માટે નીકળ્યા હતા.અમે રોડ ક્રોસ કરતા હતા. તે સમયે ગધેડા માર્કેટ ચાર રસ્તા  પાસે કંકુબેન માછીના લાકડાના વખાર પાસે ૩૫ થી ૪૦ વર્ષનો એક યુવાન અમારી પાસે આવ્યો હતો. તેણે અમને જણાવ્યું હતું કે,અમારા શેઠના ઘરે ૧૦ વર્ષ પછી છોકરો આવ્યો છે. 


તેઓ તમને કપડા અને અનાજની કિટ આપશે. તમે અમારી સાથે ચાલો. હું તથા લક્ષ્મીબેન રાધેશ્યામ સોસાયટીના નાકા પાસે આવ્યા હતા.જ્યાં અમને અન્ય એક યુવક મળ્યો હતો. તેણે પણ અમને આવી જ વાત કરી  હતી. ત્યારબાદ તે મને દયાલ નગર સોસાયટીના નાકા પાસે લઇ ગયો હતો. ત્યાં તેઓએ કહ્યું કે, તમે કાનમાં  પહેરેલી સોનાની બુટ્ટી, અને ચેન કાઢીને થેલીમાં મૂકી દો. ત્યારબાદ એક મોટી થેલીમાં દાગીના વાળી થેલી મૂકી દીધી હતી. આ મોટી થેલી અમારી સામે મૂકીને અમે થોડીવારમાં કપડા અને અનાજની કિટ લઇને આવીએ છીએ તેવું કહીને આરોપીઓ જતા રહ્યા  હતા. લાંબા સમય સુધી તેઓ પરત નહીં આવતા થેલી ચેક કરતા તેમાંથી દાગીના ગાયબ હતા. આરોપીઓએ ક્યારે અને કેવીરીતે દાગીના કાઢી લીધા ? તેની અમને ખબર પડી જ નહતી. બે  તોલા વજનના દાગીના લઇને ફરાર થઇ  ગયેલા આરોપીઓની વારસિયા પોલીસે શોધખોળ  હાથ ધરી છે.

Reporter: admin

Related Post