અમદાવાદ : ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AMCની નબળી કામગીરીને લઈને વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. સુભાષ બ્રિજ બાદ હવે શહેરના વ્યસ્ત ગણાતા ઇન્કમટેક્સ ફ્લાય ઓવરમાં પણ ગંભીર ક્ષતિઓ જોવા મળી છે.

માત્ર 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનેલો આ બ્રિજ હવે વાહનચાલકો માટે જીવનું જોખમ બની રહ્યો હોય તેમ જણાય છે.મળતી માહિતી અનુસાર, તાજેતરમાં કરવામાં આવેલા નિરીક્ષણ બાદ સામે આવ્યું છે કે ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજના સ્પાન જોઈન્ટ્સ ખુલી ગયા છે. બ્રિજના જોઈન્ટ્સને પકડી રાખવા માટે લગાવવામાં આવેલા સ્ક્રૂ હાલ ખુલ્લી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ફાળ પડી છે. ખુલ્લા થયેલા સ્ક્રૂ અને ગેપને કારણે વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ બની શકે છે, જે ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે.
આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, AMC દ્વારા હજી સુધી આસપાસ કોઈ બેરિકેટિંગ કરવામાં આવ્યું નથી કે નથી કોઈ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ગત જુલાઈ માસમાં જ આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સમયે તંત્રના રિપોર્ટમાં બ્રિજની સ્થિતિ 'સારી' હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો જુલાઈમાં બ્રિજ સુરક્ષિત હતો, તો થોડા જ મહિનાઓમાં આવી ગંભીર ક્ષતિ કેવી રીતે સર્જાઈ? તે એક મોટો પ્રશ્ન છે. આ બ્રિજ આશરે 6 વર્ષ અગાઉ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ટૂંકા ગાળામાં જ બ્રિજની આવી દશા થતા ભ્રષ્ટાચાર અને લોટકા કામગીરીની આશંકાઓ સેવાઈ રહી છે.
Reporter: admin







