News Portal...

Breaking News :

૨૦૨૫માં રોકાણના નામે થયેલી છેતરપિંડીમાં ૫૬૫ કરોડ સ્વાહા

2025-12-30 10:54:32
૨૦૨૫માં રોકાણના નામે થયેલી છેતરપિંડીમાં ૫૬૫ કરોડ સ્વાહા


અમદાવાદઃ ગુજરાતમાં રોકાણના નામે છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ૨૦૨૫માં રોકાણના નામે થયેલી છેતરપિંડીમાં રૂ. ૫૬૫ કરોડ સ્વાહા થઈ ગયા હતા. 


ચાલુ વર્ષના ૧૧ મહિનામાં નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ૧૩,૧૨૨ છેતરપિંડીના કેસો નોંધાયા હતા. મે ૨૦૨૫ માં એક કરોડ નોંધાયેલા રોકાણકારોનો આંકડો વટાવી ભારતનું ત્રીજું રાજ્ય બનનાર ગુજરાત હવે ઇન્વેસ્ટમેન્ટને લગતા સાયબર ક્રાઈમ માટે મુખ્ય નિશાન બન્યું છે.ગુજરાતમાં ૩૭ કેટેગરીમાં ઓનલાઈન છેતરપિંડી નોંધાઈ છે, જેમાં રોકાણ કૌભાંડો નાણાકીય નુકસાનનું સૌથી મોટું કારણ બનીને ઉભર્યા છે. સાયબર ક્રાઈમની ફરિયાદોના ડેટા મુજબ, આ સમયગાળા દરમિયાન નોંધાયેલી ૧.૬૧ લાખ ફરિયાદોમાં નાગરિકોએ ગુમાવેલા કુલ રૂ. ૧,૩૩૪.૦૬ કરોડમાંથી લગભગ ૪૨ ટકા હિસ્સો માત્ર રોકાણના નામે થયેલી છેતરપિંડીનો છે. સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં ટાર્ગેટ ઓડિયન્સ ઘણું મોટું છે. આવી છેતરપિંડીનો ભોગ બનનારાઓની સંખ્યા કદાચ ઓછી હોઈ શકે, પરંતુ તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થાય તે પહેલાં લાખો રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા હોય છે.


સૂત્રોએ જણાવ્યુ કે, આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનનારાઓમાં આમ આદમીની સાથે સાથે ઉદ્યોગપતિઓ, એક્ઝિક્યુટિવ્સ, ડોક્ટરો અને અન્ય શિક્ષિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સૂત્રો મુજબ તાજેતરમાં ઉત્તર ભારતની એક મહિલાની સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેના ખાતામાં ગાંધીનગરની એક વ્યક્તિ દ્વારા ટ્રાન્સફર કરાયેલા આશરે રૂ. ૨ લાખ હતા. તે એક લોકપ્રિય ઓનલાઈન પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરે છે. તેને પ્લેટફોર્મના નામ સાથે મળતા આવતા એક ગ્રુપમાં ઉમેરવામાં આવી હતી. રૂ. ૪ લાખનું રોકાણ કર્યા પછી, યુકેમાં રહેતી તેની પુત્રીએ તેને ચેતવણી આપી હતી કે આ કૌભાંડ છે.જ્યારે તેણે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને માત્ર રૂ. ૨ લાખ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી હતી.૧.૬૧ લાખ ફરિયાદોના એનાલિસિસ પરથી જાણવા મળ્યું કે ગુજરાતના નાગરિકોએ સરેરાશ દરેક ફરિયાદ દીઠ રૂ. ૮૨,૮૮૪ ગુમાવ્યા છે. જોકે, છેતરપિંડીના પ્રકાર મુજબ સરેરાશ નુકસાનમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કેટલીક કેટેગરી વધુ લોકોને નિશાન બનાવવા માટે હતી, જ્યારે અન્ય મોટી રકમ પડાવવા માટે રચાયેલી હતી.

Reporter: admin

Related Post