News Portal...

Breaking News :

એલાયન્સ એરનું વિમાન ખોટકાતાં મુસાફર પરેશાન

2025-03-09 19:01:50
એલાયન્સ એરનું વિમાન ખોટકાતાં મુસાફર પરેશાન


જૂનાગઢ : સરકાર દ્વારા કેશોદથી મુંબઈ વિમાની સેવા શરૂ તો કરવામાં આવી પરંતુ અવારનવાર ફ્લાઈટ કેન્સલ કે એરલાઇન્સનું વિમાન ખોટકાઈ જવાના બનાવથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 


ગઈકાલે બપોરે એલાયન્સ એરનું વિમાન ખોટકાતાં ઊડાન ભરી શક્યું ન હતું. અપડેટ અંગે પણ મુસાફરોને કોઈ જાણ કરવામાં આવી ન હતી, જેથી કેશોદથી મુંબઈ જવા પૂછપરછ માટે રઝળપાટ થતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. રાતભર મુશ્કેલી થયા બાદ આજે સવારે નવી ફ્લાઇટમાં મુસાફરોને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.કેશોદથી મુંબઈ જવા અઠવાડિયામાં માત્ર ત્રણ વાર ફ્લાઇટ મળે છે. જેમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો પણ મળી રહે છે પરંતુ અવારનવાર ફ્લાઈટ કેન્સલ કે એરલાઇન્સનું વિમાન ખોટકાઈ જવાના બનાવથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 


ગઈકાલે બપોરે દોઢ વાગ્યાની ફ્લાઈટ ખોટકાતા રાત્રિના નવ વાગ્યા સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. મુશ્કેલી અનુભવતા મુસાફરોને  ભોજન કે રહેવાની સુવિધા મળી ન હતી, જેથી એરલાઇન્સ કંપનીની સવસ સામે મુસાફરોમાં નારાજગી થઈ હતી અને એરપોર્ટ ખાતે જ હોબાળો મચાવ્યો હતો. ૧૫ જેટલા મુસાફરો બપોરના એક વાગ્યાથી એરપોર્ટના ફ્લોર પર બેસીને સમય પસાર કરી અવાર નવાર પૂછપરછ કરી રહ્યા હતા છતાં પણ કોઈ પણ અધિકારીએ કયા કારણોસર વિમાન ખોટકાયું અને ક્યારે  ઉડાન કરશે તેની માહિતી પણ પહોંચાડી ન હતી .

Reporter: admin

Related Post