મત નહીં તો કામ નહીં? મંત્રી મનીષા વકીલનાં નિવેદનથી લોકશાહીમાં ધમકીની ગુંજ.
ભાજપ આવશે તો જ કામ થશે" નિવેદનથી મતદારોમાં રોષ અને સવાલો ઉઠ્યા...
વિપક્ષ જીતે તો વિકાસ અટકશે? જાહેર મંચ પરથી મંત્રીએ આપેલા સંકેતોથી રાજકીય તાપમાન ચરમસીમાએ
લોકશાહીમાં મતદારોને ધાક-ધમકી કે ચેતવણી? મંત્રી મનીષા વકીલનાં નિવેદનથી રાજકીય ગરમાવો....
છોટાઉદેપુર ખાતે એક જાહેર સભામાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ દ્વારા આપવામાં આવેલું નિવેદન વિવાદના વમળમાં ફસાયું છે. છોટાઉદેપુરની સભામાં મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "વિચારધારાથી અલગ થઈને ભલે કોઈએ ઉમેદવારી નોંધાવી હોય, પણ એક વાત યાદ રાખજો કે સરકાર ભાજપની છે—રાજ્યમાં પણ અને કેન્દ્રમાં પણ. જો જિલ્લામાં ભાજપ આવશે તો જ કામ સહેલું થશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "બીજા પક્ષના ઉમેદવારોમાં તાકાત નથી કે તેઓ તમારા કામ કરાવી શકે, તેઓ ગાંધીનગર પણ આવી શકશે નહીં. જો ચૂંટાઈને આવ્યા પછી કામ જ ન થાય, તો એવા પ્રતિનિધિ શું કામના?"આ નિવેદન સીધો સંકેત આપે છે કે જો જનતા શાસક પક્ષ સિવાયના ઉમેદવારને ચૂંટશે, તો તેમના વિકાસના કામો અટકી શકે છે. આ પ્રકારની "કામ નહીં થાય" જેવી ભાષા લોકશાહીનાં પાયાનાં સિદ્ધાંતો સામે સવાલ ઊભા કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ મંત્રી બને છે, ત્યારે તે આખા રાજ્યનો મંત્રી હોય છે, માત્ર પોતાની પાર્ટીનો નહીં. મનીષા વકીલનાં નિવેદનમાં "ગાંધીનગરમાં કામ નહીં થાય" એવી વાત સરકારી તંત્ર પક્ષપાતી હોવાનો સંકેત આપે છે.લોકશાહીમાં દરેક ધારાસભ્ય—પછી તે વિપક્ષનો હોય કે પક્ષનો—તેને પોતાનાં વિસ્તારનાં વિકાસ માટે ગ્રાન્ટ અને અધિકાર મળવા જોઈએ. મતદારોને ડરાવીને કે કામ અટકાવી દેવાની વાત કરીને મત માંગવું નૈતિક રીતે યોગ્ય ગણાય નહીં. મનીષા વકીલનું નિવેદન માત્ર એક ચૂંટણી ભાષણ નથી, પરંતુ તે સત્તાનાં કેન્દ્રીકરણની માનસિકતા દર્શાવે છે. જ્યારે કોઈ મંત્રી જાહેર મંચ પરથી વિપક્ષી ઉમેદવારોની અક્ષમતાની વાત કરે અને ગાંધીનગરનાં દરવાજા બંધ હોવાનો સંકેત આપે, ત્યારે તે લોકશાહી માટે ચિંતાનો વિષય બને છે.ગુજરાતની જનતા હંમેશા જાગૃત રહી છે, અને આ વખતે પણ 26 તારીખે થનારું મતદાન આ વાણી વિલાસનો યોગ્ય જવાબ આપશે તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકારણમાં શબ્દોની મર્યાદા અને સત્તાની નમ્રતા અત્યંત જરૂરી છે. જો નેતાઓ જનતાને ડરાવવાનો પ્રયાસ કરશે, તો જનતા લોકશાહીના સૌથી મોટા પર્વમાં પોતાની શક્તિ બતાવતા ખચકાશે નહીં.
જનતાનો રોષ
મનીષા વકીલના આ નિવેદન બાદ છોટાઉદેપુર સહિત સમગ્ર ગુજરાતમાં તેની ટીકા થઈ રહી છે. ભાજપ સત્તાના નશામાં ચૂર થઈને હવે જનતાને ડરાવવા પર ઉતરી આવી છે. "કામ નહીં થાય" એવી ધમકી આપીને ભાજપ પોતાની નબળાઈ સ્વીકારી રહી હોય તેમ લાગે છે. મતદારોમાં પણ અંદરખાને ગણગણાટ છે કે શું ટેક્સ ભરતી જનતાના કામો માત્ર પક્ષ જોઈને જ કરવામાં આવશે? જો કોઈ અપક્ષ કે વિરોધ પક્ષનો ઉમેદવાર જીતે, તો શું તે વિસ્તારની જનતાને વિકાસથી વંચિત રાખવામાં આવશે? આ પ્રશ્નનો આગામી 26 તારીખે જનતા જવાબ આપશે.
ભાજપ હશે તો જ કામ થશે
મંત્રીએ આપેલું નિવેદન કે "બીજામાં તાકાત નથી અને તેઓ ગાંધીનગર આવી શકશે નહીં" એક પ્રકારથી મતદારોના નિર્ણયને પ્રભાવિત કરવાની નકારાત્મક રીત તરીકે જોવામાં આવી રહ્યું છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું સત્તાધારી પક્ષના મંત્રીઓ જનતાને એવું કહેવા માંગે છે કે વિપક્ષી સભ્યોનું ગાંધીનગરમાં કોઈ અસ્તિત્વ નથી? શું તેઓ મંત્રીઓની ચેમ્બરમાં પણ આવી નહીં શકે?ભાજપ હંમેશા 'ડબલ એન્જિન સરકાર' અને 'વિકાસ'ના મુદ્દે ચૂંટણી લડે છે, પરંતુ મનીષા વકીલના નિવેદને આ 'વિકાસ' પાછળની શરતો જાહેર કરી દીધી છે. "ભાજપ હશે તો જ કામ થશે" તેવું વાક્ય વિકાસના સમતોલ વહેંચણીના દાવાઓને પોલા સાબિત કરે છે. છોટાઉદેપુર જેવો આદિવાસી બહુલ વિસ્તાર, જ્યાં પાયાની સુવિધાઓ માટે જનતા સંઘર્ષ કરી રહી છે, ત્યાં આવા નિવેદનો લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે. જનતાના સેવક તરીકે મંત્રીએ દરેક નાગરિકને ખાતરી આપવી જોઈએ કે સરકાર દરેકના પડખે છે, નહીં કે માત્ર પોતાના મતદારોના.
26 તારીખે જનતા ફેંસલો આપી જ દેશે
રાજકારણમાં છેલ્લો શબ્દ હંમેશા મતદારનો હોય છે. મનીષાબેન વકીલે જે રીતે "સમજ પડે છે ને?" કહીને જનતાને સવાલ કર્યો છે, તેનો જવાબ 26 તારીખે બેલેટ પેપર અથવા ઈવીએમ દ્વારા મળી શકે છે. ભૂતકાળમાં પણ જ્યારે નેતાઓએ અહંકારભર્યા નિવેદનો આપ્યા છે, ત્યારે જનતાએ મૌન રહીને સચોટ જવાબ આપ્યો છે. શું છોટાઉદેપુરની જનતા આ ધમકી સામે ઝૂકશે કે પછી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સત્તાને અરીસો બતાવશે?
Reporter: admin







