પંજાબમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદોને લઈને રાજકીય તોફાન તેજ બન્યું છે.
પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિતના નેતાઓ સામે રસ્તા પર ઉતરેલા કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે. જલંધરમાં હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર અજાણ્યા લોકોએ કાળા રંગથી પંજાબનો ગદ્દાર લખી વિરોધ નોંધાવ્યો છે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર પ્રહારો કર્યા હતા. માને જણાવ્યું કે, ભાજપ પ્રાદેશિક પક્ષોને ગળી જનારો પક્ષ છે. આ ઘટનાક્રમ પર ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજી મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને પક્ષ છોડનારા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
માને કહ્યું કે આ નેતાઓએ માત્ર પાર્ટી સાથે જ નહીં, પણ પંજાબની જનતાના વિશ્વાસ સાથે દ્રોહ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, 6-7 લોકોના જવાથી ન તો પંજાબ બદલાશે, ન તો આમ આદમી પાર્ટી નબળી પડશે.માને ભાજપને 'બંદે ખાની પાર્ટી' (માણસ ખાનારી પાર્ટી) ગણાવતા આરોપ લગાવ્યો કે ભાજપ ડર, લાલચ અને દબાણની રાજનીતિ કરી પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા માંગે છે. તેમણે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને મમતા બેનર્જીના ઉદાહરણો આપી ભાજપ પર પ્રહાર કર્યા. માને રાઘવ ચઢ્ઢા અને અન્ય નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, આ નેતાઓને લોકો પાસે હાથ જોડી વોટ માંગ્યા વગર સીધા મોટા પદ મળી ગયા હતા, તેમ છતાં સત્તાના લોભમાં તેમણે પક્ષપલટો કર્યો.
Reporter: admin







