News Portal...

Breaking News :

એક ક્લિકમાં ૧૨.૮૬ લાખની લોન, સાયબર ઠગોની નવી ચાલ

2026-04-26 11:57:30
એક ક્લિકમાં ૧૨.૮૬ લાખની લોન, સાયબર ઠગોની નવી ચાલ



અજાણ્યા નંબરથી આવેલી ફાઈલ ડાઉનલોડ કરતાં જ સિમ બંધ

RTO ચલાનની APK ડાઉનલોડ કરતાં જ રેલ્વે અધિકારીના નામે લોન ઉપાડાઈ


વડોદરા શહેરમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા રેલ્વે વિભાગના સુપરવાઈઝર (ઉંમર ૫૦ વર્ષ)ને ૧૮ જાન્યુઆરીના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ દ્વારા ‘Challan’ નામની APK ફાઈલ મોકલવામાં આવી હતી. તેમણે તે ફાઈલ ડાઉનલોડ કરી લીધી, જોકે એપ્લિકેશનમાં કોઈ માહિતી દાખલ કરી ન હતી અને પછી તેને ડિલીટ પણ કરી દીધી હતી.તે જ દિવસે સાંજે તેમનું સિમ કાર્ડ અચાનક બંધ થઈ ગયું અને મોબાઈલ હેક થઈ ગયો. રેલ્વે કંટ્રોલ અને DRM ઓફિસમાં જાણ કરતાં તેમને કહેવામાં આવ્યું કે સિમ તેમના દ્વારા જ બંધ કરાવવામાં આવ્યું છે, જેનો તેમણે ઈનકાર કર્યો. અરજી બાદ સિમ ફરી ચાલુ થયું હતું.

૭ ફેબ્રુઆરીના રોજ તેમના બેંક ખાતામાંથી ૨૪,૪૨૭ રૂપિયા EMI તરીકે કપાતા તેઓ તપાસ માટે ગયા હતા. ત્યાં જાણવા મળ્યું કે તેમના નામે ૧૨,૮૬,૮૦૧ રૂપિયાની પર્સનલ લોન લેવામાં આવી છે અને આખી રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અજાણ્યા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ છે. તેમણે જણાવ્યું કે તેમણે કોઈ લોન લીધી ન હતી.૫ ફેબ્રુઆરીના રોજ ફરી એ જ પ્રકારની APK મોકલવામાં આવી હતી, જે તેમણે ડાઉનલોડ કરી ન હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલુ છે.આ પ્રકારની ઠગાઈમાં ઠગો APK દ્વારા મોબાઈલ કંટ્રોલમાં લઈ લે છે અને OTP, બેંક વિગતો ચોરી કરી લોન લઈ લે છે. પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ APK ડાઉનલોડ ન કરવા અને ચલાન તપાસવા માટે માત્ર અધિકૃત પોર્ટલ અથવા પારિવહન એપ વાપરવા સલાહ આપી છે.

Reporter: admin

Related Post