વડોદરા : આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે.
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે, જેને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની 'સેમીફાઈનલ' તરીકે જોવામાં આવે છે. રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓ (6 જૂની અને 9 નવી)માં મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે, જ્યાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે પણ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે.
પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 2551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે. ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ મતદાન મથકમાં આગ ફાટી નીકળતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મતદાન મથકમાં લગાવવામાં આવેલા એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
Reporter: admin







