News Portal...

Breaking News :

દારૂ કેસનાં ઓથા હેઠળ આશિષ જોશી પર FIR

2026-04-26 11:45:09
દારૂ કેસનાં ઓથા હેઠળ આશિષ જોશી પર FIR

રજકીય કાવતરું કયા નેતાને ઈશારે ?


દારૂનાં જથ્થા સાથેનો મુખ્ય આરોપી પ્રમોદ પાંડે ડભોઈનો,દારૂનો માલ પકડાયો સંખેડા-બહાદરપુર પાસેથી,ગુનો દાખલ થયો છોટાઉદેપુર જીલ્લાનાં સંખેડા પોલીસ સ્ટેશનમાં, મંગાવનાર વડોદરાનો !! માલ મોકલનાર કોણ તેનો ઉલ્લેખ FIR માં નથી !!
ચૂંટણીનાં મતદાનનાં આગળનાં દિવસે આવા કેસ કરવાથી મતદારો અને કાર્યકરોમાં આક્રોશ
પોલીસ દરોડામાં ઝડપાયેલા દારૂ જથ્થા કેસમાં, જોશીનો પ્રહાર—“આ સ્પષ્ટ રાજકીય કાવતરું
પ્રમોદ પાંડેનાં નિવેદનથી નોંધાઈ ફરિયાદ, જોશીની નાર્કો ટેસ્ટની માંગ; “સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, ન્યાય માટે સુપ્રીમ સુધી લડશું 

કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનાં નેતાઓ માટે માથાનો દુખાવો બનેલા કોંગ્રેસના વોર્ડ 15ના ઉમેદવાર આશિષ જોશી સામે હવે દારૂ મંગાવ્યાની સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહાદરપુર પાસે મધરાતે પોલીસના દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયા બાદ આ કેસમાં ઝડપાયેલા આરોપી પ્રમોદ પાંડેનાં નિવેદનનાં આધારે પોલીસે વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશી સામે પણ ફરિયાદ નોંધાવી છે.આ મામલે આશિષ જોશીએ સત્તાધારી પક્ષ અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. આશિષ જોશીએ આ સમગ્ર કેસને તેમને બદનામ કરવાનું અને ચૂંટણી સમયે હરાવવાનું પૂર્વનિયોજિત કાવતરું ગણાવ્યું છે. પોલીસ ફરિયાદ પ્રમાણે 23 એપ્રિલની રાત્રે સંખેડા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની એક ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ડાયવર્ઝન માર્ગે ડભોઇ તરફ જઈ રહ્યો છે. બાતમીનાં આધારે પોલીસે બહાદરપુર ગામે, ઓરસંગ નદી પર બનાવેલા ડાયવર્ઝન પાસે ઇકો કારને ઝડપી પાડી હતી, જેમાંથી પોલીસે દારૂની 299 બોટલો જપ્ત કરી અને ડભોઇનાં લાલબજાર વિસ્તારમાં રહેતા પ્રમોદ પંચનારાયણ પાંડેને સ્થળ પરથી ધરપકડ કરી હતી.પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, પકડાયેલા ડ્રાઈવર પ્રમોદ પાંડેની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તે કવાંટ તરફથી આશિષ જોશીના કહેવાથી લાવ્યો હતો અને વડોદરા ખાતે તેમને પહોંચાડવાનો હતો. આ નિવેદનનાં આધારે પોલીસે આશિષ જોશી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ કાર્યવાહી બાદ આશિષ જોશીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા વિસ્ફોટક વિગતો જણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેમને ખોટા કેસમાં ફસાવવા માટેનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાની તેમને ગંધ આવી ગઈ હતી. વોર્ડ નંબર 15માં અમારી વધતી જતી લોકપ્રિયતા જોઈને સત્તાધારી ભાજપના નેતાઓ ફફડી ગયા છે. તેમને હારનો ડર સતાવી રહ્યો હોવાથી સત્તાના જોરે પોલીસનો દુરુપયોગ કરીને મને દારૂના ખોટા કેસમાં સંડોવવામાં આવ્યો છે.ડભોઇનાં કોઈ વ્યક્તિ પાસેથી દારૂ પકડાય અને મારું નામ લેવડાવવામાં આવે, તે જ સાબિત કરે છે કે આ કેસ કેટલો ખોટો છે. પોલીસની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા જોશીએ માંગ કરી છે કે જો પોલીસ ખરેખર નિષ્પક્ષ તપાસ કરવા માંગતી હોય તો આ કેસનાં મુખ્ય આરોપી પ્રમોદ પાંડે અને મારો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે. જો પોલીસ આ ટેસ્ટ નહીં કરાવે તો અમે ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું.તેમણે વધુમાં ઉમેર્યું કે વડોદરામાં અગાઉ પણ પોલીસે નિર્દોષ નાગરિકોનાં ઘરમાં ડ્રગ્સ અને દારૂની બોટલો મૂકીને ખોટા કેસ કર્યા હોવાના કિસ્સા બન્યા છે. પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે તે જનતા બરાબર જાણે છે. પરંતુ અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

 

મતદાનનાં દિવસે પરિવર્તનની હાકલ
આવતીકાલે મતદાન હોવાથી આશિષ જોશીએ મતદારોને ભાવુક અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે આ ષડયંત્રનો જવાબ જનતા આપશે. મારા પર ભરોસો રાખજો, સત્યની જ જીત થશે. આવતીકાલે મોટી સંખ્યામાં મતદાન કરીને આ અત્યાચારી શાસન વિરુદ્ધ પરિવર્તન લાવજો.
રાજકીય લડતને હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની મક્કમતા
આશિષ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ફરિયાદથી ડરવાના નથી. પોલીસને આજે નહીં તો કાલે આ ફરિયાદમાંથી તેમનું નામ પાછું ખેંચવું જ પડશે. તેઓ આ રાજકીય લડતને હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની મક્કમતા દર્શાવી છે.
મારો અને બુટલેગરનો નાર્કો ટેસ્ટ કરાવો, નહીં તો સુપ્રીમ કોર્ટમાં જઈશ
આશિષ જોશીએ આ મામલે વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે આ મને ફસાવવાનું કાવતરું છે. છેલ્લા કેટલાક દિવસોથી ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું, તેની મને ગંધ હતી. સત્તાધારી પક્ષના કેટલાક નેતાઓના ઇશારે મારા પર ખોટો કેસ કરાયો છે. ડભોઇમાં રહેતા પ્રમોદ પાંડેને સંખેડા પોલીસે દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે અને પ્રમોદે મેં દારૂનો ઓર્ડર આપ્યો હતો તેવી ખોટી ફરિયાદ કરવામાં આવી છે.મને ઘણા સમયથી આવી શંકા હતી અને આજે મારી શંકા સાચી પડી છે. વોર્ડ વિસ્તારમાં મારી લોકપ્રિયતા વધતા સત્તાધારી પક્ષ ભાજપ વોર્ડ નંબર 15માં હારી રહી છે, તેથી અમને હરાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું હતું. ડભોઇમાં રહેતા વ્યક્તિ પાસેથી દારૂ પકડાય, તો લોકોને ખબર છે કે આ ક્યા પ્રકારનો કેસ છે. હું વોર્ડનાં રહીશોને કહું છું કે મારા પર ભરોસો રાખજો.હું પોલીસને કહીશ કે તપાસ અધિકારી આરોપી અને મારો નાર્કો ટેસ્ટ કરાવે. જો નહીં કરાવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. પોલીસે વડોદરામાં ભૂતકાળમાં ડ્રગ્સ અને દારૂ મૂકી ખોટા કેસ કર્યા છે. નાગરિકોના ઘરમાં વસ્તુઓ મૂકીને કેસ કર્યા છે. અમને ખબર છે કે ન્યાય મળશે. પોલીસ આ બધું કોના ઇશારે કરે છે તે બધા જાણે છે. ભાજપે ખોટી રીતે મને દારૂના કેસમાં સંડોવવાની કોશિશ કરી છે અને અમે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું.આવતીકાલે મતદાનના દિવસે ભરપૂર મતદાન કરજો અને પરિવર્તન લાવજો. મને કોર્ટ પર પૂરતો ભરોસો છે. પોલીસે આજે નહીં તો કાલે આ ફરિયાદમાંથી નામ પાછું લેવું પડશે અને અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છીએ.
પ્રમોદે દારૂ ક્યાંથી ભર્યો અને આ દારૂને મોકલનાર કોણ છે, તે તો ફરિયાદમાં લખ્યું જ નથી.
એફઆઇઆરમાં દારૂ મોકલનારનું નામ જ નથી. ગાડી ચલાવનારએ તો કહ્યું કે આશિષ જોશીએ દારૂ મંગાવ્યો હતો, પરંતુ ફરિયાદમાં ક્યાંય એવું લખાયેલું નથી. તો પ્રમોદે દારૂ ક્યાંથી ભર્યો અને આ દારૂને મોકલનાર કોણ છે? તે જ બતાવે છે કે આ સ્ક્રિપ્ટેડ ફરિયાદ છે. ડભોઇ બુટલેગરોનું હબ છે અને નદીમાં સંતાડેલા દારૂને પોલીસે ફરિયાદમાં દર્શાવ્યો છે. બુટલેગર ડભોઇનો છે એટલે બધા સમજે છે કે કોના ઇશારે આ ફરિયાદ થઈ છે.
આશિષ જોશી, કોંગ્રેસ ઉમેદવાર, વોર્ડ નંબર 15

Reporter: admin

Related Post