News Portal...

Breaking News :

વડોદરામાં સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાને આજીવન કેદ

2026-04-26 14:35:39
વડોદરામાં સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાને આજીવન કેદ


સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છતાં વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે કોર્ટે ફટકારી કડક સજા


વડોદરા શહેરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ જ પોતાની ૧૫ વર્ષની સગી દીકરી સાથે દોઢ વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ ગુજારી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરી માનવતાને લજવી છે. આ ચકચારી કિસ્સામાં વડોદરાની સ્પે. પોક્સો કોર્ટના ન્યાયાધીશશ્રીએ ઐતિહાસિક ચુકાદો આપતા આરોપી પિતા સંજય રાજનારાયણ પાંડેને આજીવન કેદ એટલે કે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખત કેદની સજા ફટકારી છે.ઘટનાની વિગત મુજબ આરોપી પિતાએ તારીખ ૩૦/૧૧/૨૦૨૩ થી ૨૭/૦૨/૨૦૨૫ દરમિયાન ભોગ બનનાર સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ હેવાનિયતને કારણે સગીરા ગર્ભવતી બની હતી. જે તે સમયે આ ગંભીર બાબતની જાણ થતા સગીરાની માતાએ વડોદરા સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ટ્રાયલ દરમિયાન માતા અને ભોગ બનનાર પુત્રી બંને પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા અને આરોપીને બચાવવા માટે કોર્ટમાં ખોટી જુબાની આપી હોસ્ટાઈલ થયા હતા.

ન્યાયાધીશએ ચુકાદામાં નોંધ્યું કે ભલે મુખ્ય સાક્ષીઓ ફરી ગયા હોય પરંતુ મેડિકલ પુરાવા, મોબાઈલમાંથી મળી આવેલા વાંધાજનક વિડિયો અને વૈજ્ઞાનિક પુરાવાઓ આરોપીનો ગુનો સાબિત કરવા માટે પૂરતા છે. કોર્ટે આરોપીને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨)(એફ), ૬૪(૨)(એમ) તથા ૬૫(૨) તેમજ પોક્સો એક્ટની કલમ ૪, ૫(એલ), ૫(એન) અને ૬ હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદ અને કુલ ₹૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.આ કેસની તપાસ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલા ટેકનિકલ પુરાવાઓ જ કોર્ટમાં ન્યાય અપાવવા માટે મુખ્ય આધાર બન્યા હતા. કોર્ટે આરોપીના જેલવાસનો સમય પણ સજામાં મજરે આપવાનો હુકમ કર્યો છે.કોર્ટે આ કેસમાં કડક વલણ અપનાવતા કોર્ટ સમક્ષ સોગંદ ઉપર જાણી જોઈને ઈરાદાપૂર્વક ખોટો પુરાવો આપવા બદલ ભોગ બનનારની માતા અને ભોગ બનનાર સગીરા સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૮૩ હેઠળ આ નોટિસ ફટકારવામાં આવી છે કે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી.સ્પે. પોક્સો કોર્ટમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસીક્યૂટર પી.સી. પટેલે હાજર રહી ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જ્યારે પિતા જ રક્ષકને બદલે ભક્ષક બને ત્યારે સમાજમાં કઠોર સંદેશ જવો અનિવાર્ય છે. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી સમાજ માટે દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે.આ કેસમાં ભોગ બનનારને વળતર ચૂકવવા માટે પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે. શહેરમાં ચર્ચા જગાવનાર આ કિસ્સામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પુરાવાઓ સાથે છેડછાડ કે હોસ્ટાઈલ થનારા સાક્ષીઓ સામે પણ કાયદો લાલ આંખ કરશે. વડોદરાની કોર્ટે ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ આ આખરી ફેંસલો સંભળાવ્યો હતો. આ સમગ્ર ટ્રાયલ દરમિયાન સાક્ષીઓની પલટી મારવાની ઘટના છતાં વિજ્ઞાન અને ટેકનિકલ પુરાવાઓની જીત થઈ છે જે ન્યાયિક પ્રક્રિયામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.

Reporter:

Related Post