વડોદરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા ભગવા વસ્ત્ર ધારણ કરી રામ મંદિર દાન ચોરીના મુદ્દે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સનાતની હિન્દુ સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પપ્પુ યાદવ સહિત સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
હિન્દુ સંગઠનોનું કહેવું છે કે સંસદ પરિસરમાં સંતોનો વેશ ધારણ કરીને કરવામાં આવેલું પ્રદર્શન સનાતન ધર્મ, ભગવા વસ્ત્ર અને ભગવાન શ્રીરામનું અપમાન છે. આ મુદ્દે સંગઠનોએ રાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર સમક્ષ સાંસદ પપ્પુ યાદવનું પદ રદ કરવાની તેમજ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ દરમિયાન હિન્દુ ધર્માચાર્યોએ પણ આ ઘટનાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પપ્પુ યાદવે સંતો અને સનાતન ધર્મના અનુયાયીઓ સમક્ષ માફી માંગવી જોઈએ.
Reporter: admin







