News Portal...

Breaking News :

હરણી પોલીસે 41 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપ્યું, અમદાવાદમાં સપ્લાય પહેલાં જ દબોચાયું

2026-08-05 15:46:34
હરણી પોલીસે 41 લાખના એમડી ડ્રગ્સ સાથે દંપતી ઝડપ્યું, અમદાવાદમાં સપ્લાય પહેલાં જ દબોચાયું

વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશનની ટીમે નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે આશરે રૂ. 41 લાખની કિંમતનો મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો જથ્થો સાથે મધ્યપ્રદેશના એક દંપતીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં ડ્રગ્સ લઈને અમદાવાદમાં સપ્લાય આપવા જઈ રહ્યા હતા, ત્યારે હરણી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી તેમને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામના ઐયુબખાન જમાનખાન અને તેની પત્ની નાઝમીન તરીકે થઈ છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી નાઝમીને 1 કિલોથી વધુ મેફેડ્રોનના પેકેટ પોતાની છાતી પર બાંધી રાખ્યા હતા જેથી પોલીસને શંકા ન જાય.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ મંદસૌરના જાફર નામના વ્યક્તિ પાસેથી રૂ. 7 લાખમાં 1 કિલો 396 ગ્રામ 710 મિલિગ્રામ મેફેડ્રોન ખરીદ્યો હતો. આ જથ્થો અમદાવાદના રવિ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો, જે વડોદરા આવી ડ્રગ્સની ડિલિવરી લેવાનો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 41 લાખનો મેફેડ્રોનનો જથ્થો, સ્કોર્પિયો કાર સહિત કુલ રૂ. 57.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હરણી પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક, સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે દંપતીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post