News Portal...

Breaking News :

પાણીગેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે પાલિકાનો બુલડોઝર, લારી-ગલ્લા અને પથારાઓ દૂર કરાયા

2026-08-05 15:05:45
પાણીગેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે પાલિકાનો બુલડોઝર, લારી-ગલ્લા અને પથારાઓ દૂર કરાયા

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે વડોદરા મહાનગરપાલિકાએ બુધવારે કાર્યવાહી હાથ ધરી હતી. ઓનલાઇન ફરિયાદ મળ્યા બાદ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ પાણીગેટ ટાંકીથી પાણીગેટ પોલીસ સ્ટેશન સુધીના વિસ્તારમાં પહોંચી હતી અને રસ્તાની હદમાં આવતા ગેરકાયદે લારી-ગલ્લા, પથારા તેમજ અન્ય દબાણોને દૂર કર્યા હતા.

કાર્યવાહી દરમિયાન દબાણકારોનો એક ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાની આ કાર્યવાહીના કારણે વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં પણ રાહત મળી હતી.

વોર્ડ નં. 5ના રાહુલ સરવૈયાએ જણાવ્યું હતું કે, નાગરિકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં જ્યાં જ્યાં ગેરકાયદે દબાણો રસ્તા અને જાહેર અવરજવરમાં અવરોધરૂપ બનતા હશે, ત્યાં આગામી દિવસોમાં પણ આવી જ રીતે સતત કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ દબાણકારોને જાહેર રસ્તાઓ પર ફરીથી દબાણ ન કરવાની પણ ચેતવણી આપી છે.

Reporter: admin

Related Post