વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં આવેલા શ્રીજી માર્કેટમાં વેપારી પર થયેલા હુમલા કેસમાં કુંભારવાડા પોલીસે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. રીક્ષા હટાવવાની બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક અને તેના સાથીદારોએ વેપારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, શ્રીજી માર્કેટની બહાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશો કરી વેપારીઓને પરેશાન કરવામાં આવતા હતા. ગત 23 જુલાઈના રોજ માર્કેટના વેપારી ધર્મેશ પરદેશીએ આવા તત્વોને નશો નહીં કરવા અને વેપારીઓને હેરાન ન કરવા બાબતે ટકોર કરી હતી. આ બાબતની અદાવત રાખીને આરોપીઓએ અન્ય સાથીદારો સાથે મળી વેપારીની દુકાન પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં વેપારી ધર્મેશ પરદેશી સહિત અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે હુમલામાં સંડોવાયેલા આસિફ યુસુફભાઈ છીપા, મોસીન નૂર મહંમદ મલેક અને અયુબ મુસ્તાક અહેમદ અંસારીને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin







