નસવાડી: વિકાસના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ હાંડલી ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે. શાળાના જર્જરિત ઓરડા તોડી પાડ્યા બાદ નવા ઓરડાઓનું બાંધકામ શરૂ ન થતાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા આશરે 17 જેટલા બાળકોને આવાસમાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.
મળતી માહિતી મુજબ, પ્રાથમિક શાળાના નવા ઓરડા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી નથી. સર્વ શિક્ષા અભિયાન વિભાગના એન્જિનિયરો દ્વારા કોન્ટ્રાક્ટરને બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી.
હાલ બાળકો મધ્યાહન ભોજનના સંચાલક રાઠવા રતનભાઈ સોમજીભાઈના આવાસમાં અભ્યાસ કરી રહ્યા છે. એક નાના રૂમમાં બાળકો માટે માત્ર એક ટેબલ, પંખો અને એક લાઇટની વ્યવસ્થા છે. ગરમી અને અપૂરતી સુવિધાઓ વચ્ચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
આ ઉપરાંત આવાસમાં શૌચાલયની સુવિધા ન હોવાથી બાળકોને શૌચક્રિયા માટે બહાર જવું પડે છે. શિક્ષકોને પણ શૌચક્રિયા માટે ગામમાં અન્ય સ્થળે જવાની ફરજ પડી રહી છે. એટલું જ નહીં, મધ્યાહન ભોજનનો નાસ્તો પણ આ જ નાના રૂમમાં તૈયાર કરવામાં આવતો હોવાથી આગ જેવી દુર્ઘટનાનો ભય પણ ઉભો થયો છે.
સ્થાનિકોનું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં બાળકોને શાળાના મૂળભૂત માળખાથી પણ વંચિત રહેવું પડે તે ચિંતાજનક બાબત છે. એક તરફ સરકાર શિક્ષણ અને વિકાસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ હાંડલી ગામના બાળકોને આવાસમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોએ શિક્ષણ વિભાગ અને પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરી નવા શાળાના ઓરડાનું બાંધકામ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી બાળકોને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળી શકે.
Reporter: admin







