News Portal...

Breaking News :

સર્પદંશમાં સમયસર સારવાર બની જીવનરક્ષક, ગરુડેશ્વર હોસ્પિટલમાં 17 દર્દીઓના બચાવાયા જીવ

2026-08-05 12:27:25
સર્પદંશમાં સમયસર સારવાર બની જીવનરક્ષક, ગરુડેશ્વર હોસ્પિટલમાં 17 દર્દીઓના બચાવાયા જીવ

ચોમાસાની ઋતુ દરમિયાન સર્પદંશની ઘટનાઓમાં વધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં ગભરાટ કે અંધશ્રદ્ધાનો આશરો લેવાને બદલે દર્દીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવો સૌથી અસરકારક અને જીવનરક્ષક ઉપાય છે. સમયસર મળતી વૈજ્ઞાનિક સારવારથી સર્પદંશના મોટાભાગના દર્દીઓનો જીવ બચાવી શકાય છે.

નર્મદા જિલ્લાના ગભાણા ગામની ઊષાબેન તડવીનું ઉદાહરણ આ વાતને સાબિત કરે છે. તા. 27 જુલાઈ, 2026ના રોજ ઊષાબેન પોતાના વાડામાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગમાં સાપે ડંખ માર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી પરિવારજનોએ સમય બગાડ્યા વગર 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો.

108ની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક સારવાર આપી ઊષાબેનને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. એન્ટી સ્નેક વેનમ (ASV), જરૂરી દવાઓ અને સતત તબીબી દેખરેખના કારણે ઊષાબેનની તબિયતમાં સુધારો થયો હતો અને તેઓ સ્વસ્થ થયા હતા.

ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. જસવંત રાઠવાએ જણાવ્યું હતું કે, જુલાઈ-2026 દરમિયાન ગરુડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તમામ દર્દીઓને સમયસર ASV અને જરૂરી સારવાર મળતા તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

નર્મદા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે, જિલ્લાના CHC, PHC, SHC તેમજ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એન્ટી સ્નેક વેનમ અને જીવનરક્ષક દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

તબીબોએ અપીલ કરી છે કે સર્પદંશ થાય તો દર્દીને દોડવા કે ચાલવા ન દેવા અને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી. સમયસરની સારવાર જ જીવન બચાવવાની સૌથી મોટી આશા છે.

Reporter: admin

Related Post