અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ની ગુજરાત પાંખને મોટો ડિજિટલ ફટકો પડ્યો છે.
સોશિયલ મીડિયા જાયન્ટ 'મેટા'એ કડક કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ગુજરાતના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. આ કાર્યવાહી ડિજિટલ પ્લેટફોર્મ પર કોપીરાઈટના નિયમોના વારંવાર ઉલ્લંઘનને કારણે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, આવતીકાલે (26 એપ્રિલ) મતદાન યોજાવાની છે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, AAP ગુજરાત દ્વારા પોતાના રાજકીય પ્રચાર માટે લોકપ્રિય ગુજરાતી ફિલ્મો જેવી કે ‘સાહેબ’ અને ‘છેલ્લો દિવસ’ ના દ્રશ્યોનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે મલ્હાર ઠાકર, યશ સોની અને પ્રાપ્તિ અજવાળિયા જેવા જાણીતા કલાકારોના વીડિયોને એડિટ કરીને અથવા તેમાં ડબિંગ કરીને ભ્રામક રીતે પ્રચારમાં વાપરવામાં આવ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિ મેટાની કોપીરાઈટ પોલિસી વિરુદ્ધ હોવાથી આખરે એકાઉન્ટ્સ બંધ કરી દેવાયા છે.
Reporter: admin







