News Portal...

Breaking News :

નમો કમલમ્માં જ મહિલા કાર્યકરોએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું

2026-05-09 10:46:14
નમો કમલમ્માં જ મહિલા કાર્યકરોએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું


ટીખળ કરતા, રમેશ પટેલને મહિલા કાર્યકર્તાઓએ ઘેર્યા
પસંદગીની મહિલા કાર્યકર્તાઓને બે-પદ આપ્યા,બાકીનાંએ શોભામાં અભિવૃદ્ધિ કરવા આવવાનું ?
મોદીનાં કાર્યક્રમ પહેલાં ભાજપમાં અંદરખાને આગ; ‘જૂનાં કાર્યકર્તા અવગણાયા, પસંદગીનાં ચહેરાઓને પ્રસાદ’ની ચર્ચા ગરમ
કોર્પોરેટર બન્યા બાદ પણ મમતા વ્યાસ પાસે મહામંત્રી પદ યથાવત રહેતાં મહિલા મોર્ચામાં ઉગ્ર અસંતોષ ; બેઠકમાં જ કાર્યકર્તાઓનો ફાટી નીકળ્યો રોષ



નમો કમલમમાં ‘નારી શક્તિ’નો બળવો: ટિકિટ વિતરણથી મહિલા મોર્ચામાં ઉકળાટ, રમેશ પટેલનો ઘેરાવો!
વડોદરા શહેરમાં આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈને ભાજપ સંગઠન અને તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. શહેર ભાજપ દ્વારા વિવિધ મોર્ચાઓની બેઠકો નમો કમલમ ખાતે યોજાઈ રહી છે, પરંતુ વડાપ્રધાનનાં કાર્યક્રમ પહેલા જ મહિલા મોર્ચામાં ઉકળાટ અને અસંતોષ ખુલ્લેઆમ બહાર આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ ગઈ છે.નમો કમલમ ખાતે યોજાયેલી મહિલા મોર્ચાની બેઠક દરમિયાન વિવાદ સર્જાયો હતો. શહેર મહિલા મોર્ચામાં એવી ચર્ચા છે કે કોર્પોરેટર બની ગયાં છતાં મહામંત્રી મમતા વ્યાસ પાસેથી સંગઠનનું પદ હજુ સુધી હટાવવામાં આવ્યું નથી. સંગઠન દ્વારા નવી નિમણૂંક ન થતાં અંદરખાને અસંતોષ વધી રહ્યો હોવાનું કહેવાય છે.બેઠક દરમિયાન મહિલા મોર્ચાનાં બે મહામંત્રી અને રમેશ પટેલ આગામી વડાપ્રધાનનાં કાર્યક્રમને લઈને માર્ગદર્શન આપી રહ્યા હતા, ત્યારે હાજર મહિલાઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી પાર્ટી માટે કામ કરતી મહિલા કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે નવા ચહેરાઓને સીધી ટિકિટ આપી દેવામાં આવી, જ્યારે જૂના અને વફાદાર કાર્યકર્તાઓને અવગણવામાં આવ્યા.વિવાદ એટલો ઉગ્ર બન્યો કે મહિલાઓએ રમેશ પટેલનો ઘેરાવો કર્યો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ મહિલા મોર્ચાનાં મહામંત્રી દીપા શાહે પણ ખુલીને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે પણ ટિકિટ માંગી હતી, પરંતુ તેમને તક આપવામાં આવી નહોતી. તેના જવાબમાં રમેશ પટેલે “તમે તો મહિલા મોર્ચાના મહામંત્રી છો ને” એવી ટિપ્પણી કરતાં બેઠકનું વાતાવરણ વધુ ગરમાયું હતું.વડાપ્રધાનનાં આગમન પહેલાં ભાજપમાં ઉભરાતો આ આંતરિક અસંતોષ હવે સંગઠન માટે નવી માથાકૂટ બન્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.



પદ પણ નહીં છોડાય અને નારાજગી પણ નહીં છુપાય! મહિલા મોર્ચામાં ‘ડબલ પાવર’ પર ચર્ચા ગરમ
નમો કમલમ ખાતે મહિલા મોર્ચાની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ તેમાં શહેરનાં અનેક મહિલા કોર્પોરેટરોને આમંત્રણ ન આપતા અંદરખાને ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બેઠકમાં માત્ર એક જ એવા કોર્પોરેટર હાજર રહ્યા હતા, જે હાલ મહિલા મોર્ચામાં મહામંત્રીનું પદ પણ સંભાળી રહ્યા છે — મમતા વ્યાસ.મહિલા કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે કોર્પોરેટર બન્યા બાદ પણ સંગઠનનું મહત્વનું પદ હજુ સુધી તેમની પાસેથી હટાવવામાં આવ્યું નથી. સંગઠન તરફથી નવી નિમણૂક ન થતાં પ્રશ્નો ઊભા થયા છે કે શું ભાજપમાં હવે “એક વ્યક્તિ – બે પદ”નો નવો પ્રયોગ ચાલી રહ્યો છે?વર્ષોથી સંગઠનમાં કામ કરતી કેટલીક મહિલા આગેવાનોમાં એવી પણ નારાજગી છે કે જૂના કાર્યકર્તાઓને સાઇડલાઇન કરી પસંદગીના ચહેરાઓને સતત મહત્વ આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમ પહેલાં જ મહિલા મોર્ચામાં ઊભેલી આ અંદરની ખેંચતાણ હવે રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ છે. મહિલા મોરચા ની બેઠકમાં મહિલાઓ ની સંખ્યા પણ ખુબ ઓછી હતી.

“મહિલા મોર્ચા પ્રમુખ જ ગાયબ!”
નમો કમલમ ખાતે મહિલા મોર્ચાની બેઠકમાં મહિલા કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ રોષ ઠાલવ્યો, નેતાઓનો ઘેરાવો કર્યો અને ટિકિટ-પદની રાજનીતિ સામે બળવો દેખાડ્યો, પરંતુ સમગ્ર વિવાદ વચ્ચે મહિલા મોર્ચાના પ્રમુખ સ્નેહલ પટેલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ગઈ છે. સંગઠનમાં ઉકળાટ, કાર્યકર્તાઓમાં અસંતોષ અને બેઠકમાં હંગામો છતાં પ્રમુખ હાજર ન રહેતાં અનેક સવાલો ઊભા થયા છે.

Reporter: admin

Related Post