જનતા ટ્રાફિકમાં ફસાય, કોર્પોરેશન ફૂટપાથમાં કમાય?
70% સારી ફૂટપાથ તોડી કરોડોનો ખર્ચ — વિકાસ કે વિફલતા?
સ્માર્ટ સિટીના નામે કરોડોનો બગાડ? ચાર દરવાજે ફૂટપાથથી ટ્રાફિક વધુ ખરાબ થવાની ભીતિ
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં રૂ. 1.67 કરોડના ખર્ચે નવી ફૂટપાથ બનાવવાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાલનો ફૂટપાથ સારી સ્થિતિમાં હોવા છતાં તેને તોડી નવી કામગીરી શરૂ કરાતા ટેક્સના નાણાંના દુરુપયોગના સવાલો ઊભા થયા છે.
પાણીગેટ રોડ તરફ નવી ફૂટપાથ બનતા રસ્તો વધુ સાંકડો થવાની શક્યતા; પહેલેથી જ ટ્રાફિકથી કંટાળેલા ચાર દરવાજા વિસ્તારમાં હવે વાહનચાલકો માટે નવી મુશ્કેલી ઊભી થવાની આશંકા.
ચાર દરવાજા વિસ્તારમાં રૂ. 1.67 કરોડના ખર્ચે ફૂટપાથનું કામ શરૂ, પણ શું આ આયોજન ટ્રાફિકની સમસ્યામાં વધારો કરશે?
વડોદરાના હૃદય સમાન ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂટપાથ નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે રૂ. 1.67 કરોડના ખર્ચે શરૂ થયેલો આ પ્રોજેક્ટ વિવાદોના ઘેરામાં આવી ગયો છે. સ્થાનિક નાગરિકોના મતે, આ કામગીરી પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ હોઈ શકે છે અને તેનાથી ભવિષ્યમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાવાની ભીતિ છે.આ કામગીરી માટેનો વર્ક ઓર્ડર 22 ડિસેમ્બર, 2025ના રોજ આપવામાં આવ્યો હતો. અગ્રવાલ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ મુજબ, આ કામ 20 જૂન, 2026 સુધીમાં એટલે કે 180 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે માંડવીથી લહેરીપુરા ગેટ વચ્ચેનો ફૂટપાથ અત્યારે પણ 70 ટકા જેટલો સારી સ્થિતિમાં છે. જ્યારે હાલની સુવિધા સારી હોય, ત્યારે તેને તોડીને ફરીથી કરોડોના ખર્ચે નવી ફૂટપાથ બનાવવી એ ટેક્સના નાણાંનો બગાડ ગણી શકાય. શું આટલી મોટી રકમ શહેરના અન્ય પછાત વિસ્તારોના રસ્તાઓ સુધારવા માટે ન વાપરી શકાય?પાણીગેટ રોડ તરફ નવી ફૂટપાથ બનાવવાની યોજના છે.
ગણતરી મુજબ, જો અહીં નવી ફૂટપાથ બનશે તો તે રોડની અંદાજે 3 ફૂટ જેટલી જગ્યા રોકશે. ચાર દરવાજા વિસ્તાર પહેલેથી જ સાંકડા રસ્તા અને દબાણોથી ઘેરાયેલો છે. ફૂટપાથ બન્યા પછી વાહનો રસ્તા પર પાર્ક થશે, જેના કારણે ચાલવા માટેનો મુખ્ય માર્ગ વધુ સાંકડો બનશે.માંડવી અને પાણીગેટ વચ્ચે પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગે છે. રસ્તો 3 ફૂટ સાંકડો થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે.વડોદરા સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ સ્માર્ટનેસ માત્ર દેખાવમાં નહીં, પણ વ્યવહારુ આયોજનમાં હોવી જોઈએ. ચાર દરવાજાની ફૂટપાથની કામગીરી જો યોગ્ય આયોજન વગર થશે, તો તે રાહદારીઓ માટે સુવિધાને બદલે વાહનચાલકો માટે દુવિધા બની રહેશે.તંત્રએ આ બાબતે ફેરવિચારણા કરીને રોડની પહોળાઈ જળવાય તેવા પગલાં લેવા જોઈએ.
Reporter: admin







