News Portal...

Breaking News :

ખર્ચાના ખાડા પછી હવે વીજળી બચાવ અભિયાન, પાલિકાને આખરે કરકસર યાદ આવી!

2026-05-15 11:30:20
ખર્ચાના ખાડા પછી હવે વીજળી બચાવ અભિયાન, પાલિકાને આખરે કરકસર યાદ આવી!


પાલિકાએ વીજળી અને ઇંધણ બચાવવા કડક પરિપત્ર જાહેર કર્યો
કરોડના બજેટ પછી હવે પાલિકામાં લાઈટ-પંખા બચાવ અભિયાન,
પાલિકામાં વીજ ઊર્જા અને ઇંધણ બચત માટે કડક પરિપત્ર, બિનજરૂરી લાઈટ-એસી બંધ રાખવા આદેશ.


વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ (IAS) દ્વારા મહાનગરપાલિકાની તમામ કચેરીઓ, વિભાગો અને ખાતાઓ માટે વીજ ઊર્જા અને ઇંધણના સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર અનુસાર હવે પાલિકાની તમામ કચેરીઓમાં વીજ ઉપકરણોના વપરાશમાં કરકસર અને જવાબદારી રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.નવા આદેશ મુજબ કચેરીના કામકાજ દરમિયાન ટ્યૂબલાઈટ, પંખા, એસી, કોમ્પ્યુટર સહિતના વીજ ઉપકરણોનો માત્ર જરૂરીયાત મુજબ જ ઉપયોગ કરવાનો રહેશે. જ્યાં કુદરતી સૂર્યપ્રકાશ પૂરતો ઉપલબ્ધ હોય ત્યાં બિનજરૂરી લાઈટો ચાલુ ન રાખવા તેમજ કચેરી સમય પહેલા અને બાદમાં તમામ વીજ ઉપકરણો ફરજિયાત બંધ રાખવાના રહેશે.પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે કોઈ અધિકારી અથવા કર્મચારી પોતાની બેઠક પર હાજર ન હોય ત્યારે પણ લાઈટ, પંખા અને એસી જેવા સાધનો ચાલુ રાખવા નહીં. 

સાથે જ પાલિકાના વાહનોના બિનજરૂરી ઉપયોગ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે જેથી ઇંધણનો વ્યય અટકાવી શકાય.પાલિકાએ પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક કરકસરને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયનો તમામ વિભાગોમાં કડક અમલ કરવા વિભાગીય વડાઓને વહીવટી આદેશ આપ્યો છે.મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે વીજ ઊર્જા અને ઇંધણ રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેનો બચાવ કરવો દરેક નાગરિક તથા સરકારી કર્મચારીની નૈતિક જવાબદારી છે. તમામ વિભાગોએ જરૂરી સાધનોનો જ ઉપયોગ થાય અને ક્યાંય બિનજરૂરી વપરાશ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકાનો દાવો છે કે આ પહેલ દ્વારા ઊર્જા સંરક્ષણ અને સરકારી સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ માટે એક આદર્શ વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Reporter: admin

Related Post