વડોદરા સ્માર્ટ સિટીની વડી કચેરીમાં આપનું હાર્દિક સ્વાગત છે.લિફ્ટ બંધ છે. દાદરથી ધીરે ધીરે ચડીને આવવું. તકલીફ બદલ માફ
7,650 કરોડનું બજેટ, પણ જનતા માટે દાદરરાજ! કોર્પોરેશનની લિફ્ટ ભંગારમાં, સંવેદના પણ સ્ક્રેપમાં વેચાઈ ગઈ?
કમિશનર રિવ્યૂમાં વ્યસ્ત, સિનિયર સિટીઝન દાદર પર હાંફતા! આ છે સ્માર્ટ સિટીની ‘માનવતા’?
દિવ્યાંગોની લિફ્ટમાં બાબુઓ અને લાટ સાહેબોને એન્ટ્રી, જનતા માટે જોખમી બોગદાં! વડોદરા કોર્પોરેશનનો વિકાસ મોડેલ કેવો?.
કોર્પોરેશનનાં તંત્રની સંવેદનહીનતાનું બોગદું, 7,650 કરોડના બજેટવાળી કોર્પોરેશન કચેરીમાં સામાન્ય જનતા માટે લિફ્ટ પણ નથી...

વડોદરા મહાનગરપાલિકાના શાસકો જ્યારે હજારો કરોડનું બજેટ રજૂ કરે છે ત્યારે તે આંકડાઓ જોઈને લાગે કે શહેર જાણે પેરિસ બનવા જઈ રહ્યું છે. 7,650 કરોડનું તોતિંગ બજેટ ધરાવતા વડોદરા કોર્પોરેશનની વાસ્તવિકતા તો તેની વડી કચેરીમાં પગ મૂકતા જ ખબર પડી જાય છે. જે તંત્ર પોતાની મુખ્ય ઓફિસમાં એક લિફ્ટ સરખી કરી શકતું નથી, તે શહેરનાં કરોડોના પ્રોજેક્ટ્સ કેવી રીતે સમયસર પૂરા કરશે?આમ તો કામગીરી બતાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દર અઠવાડિયે રિવ્યૂ મીટિંગોનો દોર ચલાવે છે. ફાઈલોનાં થોથાં ઉથલાવવામાં આવે છે, સૂચનાઓ અપાય છે, પણ શું કમિશનરની નજર પોતાની કચેરીમાં લિફ્ટની જગ્યાએ પડેલા જોખમકારક બોગદાં પર નથી પડતી? કોર્પોરેશનની વડી કચેરીમાં વર્ષો જૂની લિફ્ટનાં સ્પેરપાર્ટ્સ કાઢીને તેને ભંગારમાં વેચીને રોકડી કરી લેવામાં આવી છે. અત્યારે હાલત એ છે કે દરેક ફ્લોર પર ખુલ્લી જગ્યા મોતને આમંત્રણ આપી રહી છે. સુરક્ષાના નામે માત્ર પતરા મારવામાં આવ્યા છે, પણ એ પણ અડધા-પડધા! શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?કોર્પોરેશનમાં પોતાની સમસ્યાઓ લઈને આવતા સિનિયર સિટીઝનો માટે આ કચેરી નર્ક સમાન બની ગઈ છે. જેમને પહેલા, બીજા કે ત્રીજા માળે જવું હોય તેમને ફરજિયાત દાદર ચડવા પડે છે. સૌથી નવાઈની વાત તો એ છે કે બાંધકામ પરવાનગી શાખા, જ્યાં સૌથી વધુ અરજદારોની અવરજવર હોય છે, તે ત્રીજા માળે છે. અરજદારો હાંફતા-હાંફતા દાદર ચડીને જાય છે. શું આટલી મોટી રકમનું બજેટ વાપરનારા સત્તાધીશોમાં માનવતા મરી પરવારી છે?માત્ર લિફ્ટ જ નહીં, સુવિધાઓનાં નામે અહીં મીંડું છે. ત્રીજા માળે આવેલા બાથરૂમ-ટોયલેટ જર્જરિત હાલતમાંo હોવાથી તોડી તો નાખવામાં આવ્યા છે, પણ નવા બનાવવાની તસ્દી કોણ લે? પુરુષ કર્મચારીઓને કુદરતી હાજતે જવા માટે નીચેના માળ સુધી દોડવું પડે છે. સ્ટાફની આટલી પાયાની જરૂરિયાત પૂરી ન કરી શકતું તંત્ર શહેરના વિકાસની વાતો કરે તે હાસ્યાસ્પદ છે.જો કોર્પોરેશન સાચે જ જનતાની સેવા કરવા માંગતી હોય, તો પ્રોટોકોલ અને ટેન્ડરની ફાઈલો બાજુ પર મૂકીને માનવતાના ધોરણે તાત્કાલિક લિફ્ટ અને ટોયલેટની સુવિધા શરૂ કરવી જોઈએ. આ માત્ર સગવડનો નહીં, પરંતુ જનતાના આત્મસન્માન અને સુરક્ષાનો સવાલ છે.બાંધકામ પરવાનગી શાખામાં બાથરૂમ-ટોયલેટ પણ જર્જરિત થઈ જતાં તોડી નાખવામાં આવ્યા છે. પુરુષ કર્મચારીઓને નીચેના માળે આવીને અન્ય વોશરૂમનો ઉપયોગ કરવો પડે છે. માનવતાની દ્રષ્ટિએ પણ લિફ્ટ અને ટોયલેટની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરાવવી જોઈએ. 67(C)નો ઉપયોગ આવી જગ્યાએ કરવામાં આવે તો લેખે લાગે. ટેન્ડરની પ્રક્રિયા અને કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બીજા છ મહિના નીકળી જાય તો નવાઈ નહીં.
સાહેબો દિવ્યાંગોની લિફ્ટનો ઉપયોગ કરે છે!!
સામાન્ય જનતા માટે લિફ્ટ બંધ છે, પણ સાહેબો માટે ખાસ વ્યવસ્થા છે. ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલા માળે જવા માટે દિવ્યાંગો માટે જે લિફ્ટ ફાળવવામાં આવી છે, તેનો ઉપયોગ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ બિન્દાસ કરી રહ્યા છે. જે સુવિધા દિવ્યાંગો અને અશક્તો માટે હોવી જોઈએ, તે સાહેબોની શાન બની ગઈ છે. જ્યારે સામાન્ય જનતા અને સિનિયર સિટીઝનો દાદર પર સંઘર્ષ કરે છે, ત્યારે એસી કેબિનમાં બેસતા અધિકારીઓને તેમની પીડા દેખાતી નથી. આ તે કેવો વહીવટ, જ્યાં જનતાના ટેક્સના પૈસાથી અધિકારીઓ એશ કરે અને જનતા હાલાકી ભોગવે?

કલમ 67(C)નો ઉપયોગ ક્યારે?
કોર્પોરેશન એક્ટમાં કલમ 67(C) હેઠળ તાત્કાલિક અને અત્યંત જરૂરી કામો માટે ખાસ સત્તાઓ આપવામાં આવી છે. કમિશનર અવારનવાર લાખો-કરોડોના બિલ પોતાની આ સત્તા હેઠળ પાસ કરાવે છે, પણ જો આવી ગંભીર સમસ્યા માટે આ કલમનો ઉપયોગ ન થતો હોય, તો આ સત્તાઓ શું માત્ર માનીતા કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટે જ છે? તેવો સવાલ નાગરિકો કરી રહ્યા છે.જૂની લિફ્ટના પાર્ટ્સ ભંગારમાં વેચીને જે રોકડી કરવામાં આવી છે, તેની તપાસ થવી જરૂરી છે. ટેન્ડર પ્રક્રિયાનાં નામે હજુ બીજા છ મહિના કાઢી નાખવામાં આવશે તો નવાઈ નહીં. જો વડી કચેરીની આ હાલત હોય, તો સામાન્ય વોર્ડ ઓફિસોમાં જનતાની શું વિસાત?
સિનિયર સિટીઝન દાદર ચઢવા મજબૂર!
કોર્પોરેશનનું 7,650 કરોડનું બજેટ છે પણ પોતાની વડી કચેરીમાં જ લિફ્ટ નવી નાખી શકતા નથી. કમિશનર દર અઠવાડિયે રીવ્યુ મીટીંગ લે છે. પોતાના કચેરીમાં લિફ્ટ જ નથી તેનો રિપોર્ટ એમને નહી મળતો હોય? પાલિકાની વડી કચેરીમાં આવનારા સિનિયર સિટીઝને પહેલે માળે- બીજે માળે કે ત્રીજે માળે જવું હોય તો લિફ્ટની સુવિધા જ નથી! જૂની લીફ્ટના તમામ સ્પેરપાર્ટ છુટા કરીને ભંગારમાં રોકડી કરી ખાધી છે. અત્યારે દરેક ફ્લોર ઉપર જોખમકારક બોગદું છે.અડધીયા પતરા મારીને પૂરેપૂરું બંધ પણ કર્યું નથી. વડી કચેરીમાં જ સામાન્ય જનતાની સુવિધા સચવાતી નથી. બાંધકામ પરવાનગી શાખા ત્રીજા માળે આવેલી છે. અરજદારો અને સ્ટાફ બધા જ દાદર ચડીને જાય છે. બાંધકામ પરવાનગી શાખામાં બાથરૂમ ટોયલેટ પણ જર્જરીત થઈ ગયા હોવાથી તોડી નંખાયા છે. પુરુષ કર્મચારીઓએ નીચેના માળે આવીને અન્ય વોશરૂમનો ઉપયોગ કરવો પડે છે. માનવતાની દ્રષ્ટિએ પણ લિફ્ટ અને જેન્ટ્સ અને લેડીઝ ટોયલેટની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરાવવી જોઈએ.67(c)નો ઉપયોગ આવી જગ્યાએ કરો તો લેખે લાગે. ટેન્ડરની પ્રોસેસમાં અને કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બીજા છ મહિના નીકળી જાય તો નવાઈ નહી. જો ટેન્ડર નીકળી ચૂક્યું હોય. વર્ક ઓર્ડર આપી ચૂકાયો હોય તો કોન્ટ્રાક્ટર કયા મૂહુર્ત-નક્ષત્રની રાહ જોઈ રહ્યો છે?
Reporter: admin







