News Portal...

Breaking News :

પીએમ રેલીમાં જથ્થાબંધ લાઇટિંગ બેલ્ટનો પ્રયોગ કરનાર ભેજાબાજ કોણ?

2026-05-15 11:17:30
પીએમ રેલીમાં જથ્થાબંધ લાઇટિંગ બેલ્ટનો પ્રયોગ કરનાર ભેજાબાજ કોણ?


લાઈટિંગ બેલ્ટની ખરીદી અને ચૂકવણી કોણે કરી? ફંડિંગ કોણે કર્યું ?વિતરણ કોણે કર્યું? મંજૂરી કોણે આપી?
પીએમની સુરક્ષામાં થઈ ચૂક?ચાઈનીઝ લાઈટિંગ બેલ્ટનો મોટો જથ્થો કોણ-ક્યાંથી લઈ આવ્યું ? કોણે રકમ ચુકવી? વાહવાહીમાં તંત્ર સુરક્ષાનાં નિયમો ભૂલ્યું .
SPGના કિલ્લામાં ‘મેડ ઇન ચાઇના’ની એન્ટ્રી, શો-બાજીએ સુરક્ષાને બનાવ્યું રમકડું.
મોદીનાં રોડ-શોમાં લાઈટિંગ બેલ્ટનો ખેલ, જવાબદારોની બેદરકારી કે ખતરનાક સ્ટન્ટ?..
સુરક્ષાનાં ધજાગરા, પીએમ મોદીના રોડ-શોમાં ચાઇનીઝ બેલ્ટનું જોખમી પ્રદર્શન, તંત્રની ઘોર બેદરકારી.


વડોદરામાં ગત 11 મેના રોજ દોઢ કિલોમીટરનો રોડ-શો યોજાયો હતો. દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા એટલે અભેદ્ય કિલ્લો. જેમના કાફલામાં એક પક્ષી પણ પરવાનગી વગર પાંખ ન ફફડાવી શકે, તેમના જ રોડ-શોમાં સુરક્ષાનાં તમામ પ્રોટોકોલને નેવે મૂકી દેવામાં આવ્યા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. કાર્યકરોને વોર્ડવાઇઝ સ્લોટમાં વહેંચીને જે રીતે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ (લાઇટિંગ બેલ્ટ) ધરાવતી કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું, તેણે સુરક્ષા એજન્સીઓનાં કાન ઉભા કરી દીધા છે. આ લાઇટિંગ બેલ્ટની શો-બાજી પાછળ કોનું ભેજું હતું અને આ ખતરનાક ગેજેટ્સ લાવવાની મંજૂરી કોણે આપી, તે હવે તપાસનો મોટો વિષય બન્યો છે.વડાપ્રધાનની રેલી કે રોડ-શોમાં સામાન્ય રીતે પેન, પેન્સિલ કે સિક્કા જેવી વસ્તુઓ પણ લઈ જવાની મનાઈ હોય છે. ત્યારે આ રોડ-શોમાં હજારોની સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કેવી રીતે પહોંચ્યા? દરેક સ્લોટમાં 200-200 નાગરિકો-કાર્યકરોને ઉભા રાખવામાં આવ્યા હતા અને દરેકના હાથમાં આ ‘મેડ ઇન ચાઇના’ હોવાની પ્રબળ શક્યતા ધરાવતા બેલ્ટ હતા. જો આ બેલ્ટમાં કોઈ વિસ્ફોટક કે ટેકનિકલ ખામી હોત તો જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ છે.રોડ-શોની જે તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે, જેમાં લોકો આ બેલ્ટ પહેરીને ઉભા રહેલા જણાય છે. જો કોઈ નાપાક ઇરાદો ધરાવતા અસામાજિક તત્વોના હાથમાં આ પ્રકારનું ગેજેટ આવી ગયું હોત તો શું થાત, તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. શું પોલીસ તંત્રએ આ રોડ-શોમાં આવેલા લોકોની સઘન સુરક્ષા ચકાસણી કરી હતી કે કેમ, તે પણ મોટો સવાલ છે.સવાલ એ છે કે પીએમની સુરક્ષા માટે જવાબદાર SPG અને સ્થાનિક પોલીસ પાસેથી આ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે મંજૂરી લેવામાં આવી હતી? જાણકારોનું માનવું છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ પીએમની નજીક વાપરવાની છૂટ ક્યારેય મળતી નથી. આ હજારોની સંખ્યામાં વહેંચાયેલી કિટ્સનો ખર્ચ કોણે આપ્યો? શું આ રકમ અધિકૃત રીતે દર્શાવવામાં આવી છે કે પછી કોઈ ‘ગુપ્ત’ ફંડિંગ દ્વારા કાર્યકરોને આ કિટ્સ પધરાવી દેવામાં આવી? આજના યુગમાં જ્યારે મોબાઇલ અને સ્માર્ટ વોચ બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામાન્ય છે, ત્યારે અજાણ્યા સોર્સમાંથી આવેલા આ બેલ્ટ બ્લાસ્ટ થયા હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. 


આયોજકોની શો-બાજી
રોડ-શોમાં અંધારામાં વડાપ્રધાન સામે હાથ ઊંચો કરીને લાઇટિંગ બેલ્ટ ચમકાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ માત્ર એક ભવ્ય દ્રશ્ય ઉભું કરવાની લાલચ હતી કે પછી સુરક્ષાના નિયમોને જાણતા હોવા છતાં તેને અવગણવાની ઉદ્ધતાઈ?સૂત્રોના જણાવ્યા મુજબ, કાર્યકરો આ બેલ્ટ પોતાના ખર્ચે લાવ્યા નહોતા, પરંતુ કેટલાક જવાબદારો દ્વારા જ આદેશ આપીને કિટમાં અપાયા હતા. જવાબદાર પદાધિકારીઓએ પોતાની વાહ-વાહી કરાવવા માટે પ્રધાનસેવકનાં જીવને જોખમમાં મૂક્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે. ચેકિંગ દરમિયાન આ ગેજેટ્સને કેમ અટકાવવામાં ન આવ્યા, તે પોલીસ વિભાગ સામે પણ પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે.


જવાબદારીનો અભાવ
રોડ-શોમાં જે રીતે આયોજન થયું તેમાં સ્પષ્ટ દેખાય છે કે વોર્ડવાઇઝ જવાબદારી સોંપાયેલા કાર્યકરોએ જ આ જોખમી સામગ્રીનું વિતરણ કર્યું છે. બજારમાં મળતા સસ્તા અને મોટે ભાગે ચાઇનીઝ બનાવટના આ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ક્યારે સ્ફોટક સાબિત થાય તે કહી શકાતું નથી.કોઈ પણ જવાબદાર રાજકીય પક્ષ કે વહીવટી તંત્ર આવી બેદરકારી કેવી રીતે દાખવી શકે? આ કોઈ સામાન્ય ચૂક નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં પાડવામાં આવેલું ગાબડું છે. આ ફળદ્રુપ ભેજું કોનું હતું તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘાતક ભૂલનું પુનરાવર્તન ન થાય.

વડાપ્રધાનની સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય
વડાપ્રધાનની સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. જ્યારે લોખંડી બંદોબસ્તની વાતો થતી હોય, ત્યારે હજારો ઇલેક્ટ્રોનિક ચીજો ગીચ સ્લોટમાં પહોંચી જાય તે ગંભીર બાબત છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક ભીડ એકઠી કરવાની અને દ્રશ્યો બનાવવાની લ્હાયમાં પાયાની સુરક્ષા વિસરાઈ જાય છે.આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી છે કે શું આ ગેજેટ્સ ખરેખર સુરક્ષિત હતા? અને જો નહોતા, તો આટલી મોટી સંખ્યામાં તેનું વિતરણ કરનાર ‘માસ્ટર માઇન્ડ’ કોણ છે,તપાસનો વિષય બને છે.

Reporter: admin

Related Post