News Portal...

Breaking News :

એમ.જી. રોડ પર વેપારીએ ગેટ માર્યો, તંત્રે આંખ પર પટ્ટી બાંધ્યો!

2026-05-15 11:45:57
એમ.જી. રોડ પર વેપારીએ ગેટ માર્યો, તંત્રે આંખ પર પટ્ટી બાંધ્યો!


રસ્તા પર કબજો, પાલિકા મૌનમાં — શહેર કોના બાપનું?.
રોડ જાહેરનો કે વેપારીઓની ખાનગી મિલ્કત? પાલિકા જવાબ આપે!
ચાર દરવાજા વિસ્તારમાં દબાણરાજ, એમ.જી. રોડ પર વેપારીએ ગેટ બનાવી રસ્તો રોક્યો

જાહેર માર્ગ પર ગેરકાયદેસર ગેટથી સ્થાનિકોમાં રોષ, ટ્રાફિક અને રાહદારીઓને ભારે હાલાકી
ઐતિહાસિક વિસ્તારમાં વધતા અતિક્રમણ સામે પાલિકાની દબાણ શાખા નિષ્ક્રિય હોવાના આક્ષેપ, રસ્તાઓ સાંકડા બનતા અકસ્માતનો ભય વધ્યો
વડોદરાના હૃદય સમાન ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. શહેરના મુખ્ય માર્ગ એવા એમ.જી. રોડ પર નરસિંહજીની પોળના નાકે એક વેપારી દ્વારા જાહેર માર્ગ પર જ લોખંડનો ગેટ બનાવી દેવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

ઐતિહાસિક ધરોહર ધરાવતા આ વિસ્તારમાં ફૂટપાથો તો પહેલેથી જ દબાણોના કારણે ગાયબ થઈ ગયા છે, પરંતુ હવે વેપારીઓ દ્વારા રોડ પર પણ ગેરકાયદેસર બાંધકામો કરીને કબજો જમાવવામાં આવી રહ્યો છે.ચાર દરવાજા વિસ્તારમાં સામાન્ય રીતે પણ વાહન ચલાવવું કે ચાલવું મુશ્કેલ હોય છે, તેવામાં આવા કાયમી દબાણોને કારણે રસ્તો વધુ સાંકડો બની ગયો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે રોડ પર ચાલવાની જગ્યા બચી નથી અને દબાણો સતત વધતા જાય છે, જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે.આ મામલે પાલિકાની દબાણ શાખા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું તંત્ર આ ગેરકાયદેસર ગેટ અને રોડ પર થતા દબાણો સામે લાલ આંખ કરશે? શહેરના મુખ્ય બજારોમાં વધી રહેલા આવા અતિક્રમણને કારણે વડોદરાની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થા બંને જોખમમાં મુકાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે ક્યારે કડક કાર્યવાહી કરીને રસ્તાઓ ખુલ્લા કરાવે છે.

Reporter: admin

Related Post