વડોદરાના કમાટી બાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં કેટલીક યુવક ટોળકીએ સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લાલચમાં નિયમોનો સરેઆમ ભંગ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે.

માહિતી મુજબ યુવકો દીપડાના પીંજરા સુધી પહોંચી ગયા હતા અને જોખમી રીતે વીડિયો ઉતારી દીપડાની પજવણી કરી હતી. આ દરમિયાન પોતાની તેમજ અન્ય મુલાકાતીઓની સુરક્ષાને પણ જોખમમાં મૂકી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો પ્રકાશમાં આવ્યો છે.ઘટનાને લઈને હવે વડોદરા મહાનગર પાલિકા તથા કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.

મુલાકાતીઓ પ્રતિબંધિત વિસ્તાર સુધી કેવી રીતે પહોંચી ગયા અને સિક્યુરિટી સ્ટાફે તેમને રોક્યા કેમ નહીં તે અંગે ચર્ચા ચાલી રહી છે.પ્રાણીપ્રેમીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પ્રાણીઓની પજવણી કરવી અને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવો ગંભીર બાબત ગણાય છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે સંબંધિત યુવકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે પછી કોર્પોરેશન આ મામલે આંખ આડા કાન કરશે.
Reporter: admin







