હોડીકાંડમાં ભોગ બનેલાઓને મદદ કરવી ગુનો છે ?
શાસક પક્ષની સામે જનહિતમાં અવાજ ઉઠાવવો ગુનો છે?
દારૂનો જથ્થો ક્યાંથી લવાયો ? કોણે રકમ ચુકવી ? તેનો ઉલ્લેખ FIRમાં પણ નથી. મુખ્ય આરોપીની ક્રિમીનલ હિસ્ટરી અને કોલ ડિટેઈલની પણ તપાસ થાય તે અનિવાર્ય છે.
ભથ્થુભાઈ-મહેન્દ્રસિંહ રાઠોડનાં ચોંકાવનારા ગંભીર આક્ષેપો
વોર્ડ-15ના લડાયક કોર્પોરેટર આશિષ જોષીની ધરપકડ બાદ વડોદરાનાં રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસનો આક્ષેપ — હરણી કાંડમાં અવાજ ઉઠાવવાનું મળ્યું ‘ઈનામ’
માત્ર કોલ રેકોર્ડ અને બુટલેગરનાં નિવેદનનાં આધારે કાર્યવાહીથી પોલીસની નિષ્પક્ષતા સામે ઉઠ્યા તીખા સવાલો
રાજકારણમાં જ્યારે કોઈ પક્ષપલટો કરે છે અથવા સત્તાધારી પક્ષ સામે બાંયો ચઢાવે છે, ત્યારે તેની કિંમત ચૂકવવી પડતી હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વડોદરા મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 15ના લડાયક કોર્પોરેટર આશિષ જોષીની ધરપકડ પણ અત્યારે કંઈક આવા જ સંકેતો આપી રહી છે. સંખેડા પોલીસે દારૂના કેસમાં આશિષ જોષીની જે રીતે અટકાયત કરી છે, તેણે વડોદરાનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. એક તરફ પોલીસ પાસે બુટલેગરની કેફિયત અને કોલ રેકોર્ડનાં પુરાવા હોવાનો દાવો છે, તો બીજી તરફ કોંગ્રેસ તેને બદલાની રાજનીતિ ગણાવી રહી છે.ઘટનાની શરૂઆત 23 માર્ચના રોજ થઈ હતી, જ્યારે સંખેડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ઇકો ગાડીમાંથી આશરે ₹3 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પકડાયેલા ચાલક પ્રમોદે પોલીસ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે આ જથ્થો વડોદરાના આશિષ જોષીને પહોંચાડવાનો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ જે મોબાઈલ નંબર આપ્યો હતો તેની તપાસ અને કોલ રેકોર્ડ્સ જોતા આશિષ જોષી અને બુટલેગર સંપર્કમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. આ ગંભીર આક્ષેપોના આધારે રામોલ પોલીસે અમદાવાદથી આશિષ જોષીની ધરપકડ કરી સંખેડા પોલીસને સોંપ્યા છે!!
બુટલેગરના નિવેદનને સાચું ગણી નેતાની ધરપકડ?”
વડોદરાના પીઢ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ) આ ઘટનાને લઈને લાલઘૂમ થયા છે. સંખેડા પહોંચેલા શ્રીવાસ્તવને પોલીસે મળવા ન દેતા તેમણે પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “શું કોઈ બુટલેગર કોઈનું પણ નામ આપી દે તો પોલીસે તેને સત્ય માની લેવાનું? શું આટલી સસ્તી તપાસના જોરે લોકપ્રતિનિધિઓની ધરપકડ થશે?” તેમણે આક્ષેપ કર્યો હતો કે આશિષ જોષીની છબી બગાડવા માટે આ આખું નાટક રચવામાં આવ્યું છે. તેમણે આશિષ જોષીના નાર્કો ટેસ્ટની પણ માંગ કરી છે અને આ મામલે કાયદાકીય લડાઈની ચીમકી ઉચ્ચારી છે.
હરણી કાંડનો અવાજ ઉઠાવ્યો, હવે બદલાની રાજનીતિ?” કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસ પ્રવક્તાએ ધરપકડને ‘બદલાની ભાવના’ ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વડોદરાનાં ચકચારી હરણી બોટ કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે આશિષ જોષીએ જે રીતે શાસક પક્ષ સામે મોરચો માંડ્યો હતો, તેનું આ પરિણામ છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા અને ભાજપનાં ગઢ ગણાતા વોર્ડ 15માં વિજય મેળવનાર જોષી સામે જાણે તેઓ કોઈ રીઢા ગુનેગાર હોય તેમ વોચ રાખીને ધરપકડ કરવામાં આવી, જે લોકશાહી માટે ઘાતક સંકેત છે. પોલીસે આશિષ જોશીની ધરપકડ કરીને એક દિવસના ફોર્મલ રિમાન્ડ મેળવ્યા છે
તપાસ સામે ઉઠતા તીખા સવાલો
પોલીસ જ્યારે કોઈ હાઈ-પ્રોફાઈલ વ્યક્તિની ધરપકડ કરે ત્યારે તેની પાસે સચોટ પુરાવા હોવા જરૂરી છે. આ કેસમાં માત્ર એક પકડાયેલા ગુનેગારના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનો વિપક્ષનો આરોપ છે. શું માત્ર કોલ રેકોર્ડના આધારે દારૂના મોટા સોદા સાબિત થઈ શકે? જો આશિષ જોષી ગુનેગાર નથી, તો પછી તેમની ધરપકડ પાછળ કયા રાજકીય માથાઓનો હાથ છે? વડોદરાની જનતામાં એવી ચર્ચા છે કે જે નેતાઓ સત્તા સામે અવાજ ઉઠાવે છે, તેમને ડામી દેવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસની નિષ્પક્ષતા અત્યારે કસોટીની એરણે છે.
Reporter: admin







