રાણાજીનાં રાજમાં, અને બાબુજીનાં રાજમાં કોઈ ફરક નથી.બંને કેમેરા સામે બોલ-બચ્ચન. બંનેનો કેમ્પ ઓફિસથી જ વહીવટ.
30 વર્ષમાં કેટલાય સનદી અધિકારીઓ- મેયર-ચેરમેન-સિટી એન્જીનિયર-સાંસદ-ધારાસભ્યો આવ્યા, મોટાભાગનાંઓએ વિશ્વામિત્રીનાં નામે સહિયારો ભ્રષ્ટાચાર કર્યો
૧૨૦૦ કરોડનાં પ્રોજેક્ટનાં દાવા વચ્ચે વિશ્વામિત્રી ફરી એજ પરિસ્થિતિમાં. રોજ ટનબંધ કચરો ઠલવાઈ રહ્યો છે.
પાલિકા-કોન્ટ્રાક્ટરોની ‘ઘી-કેળા’ જોડી ચર્ચામાં.
નદી સાફ કરવાની જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરીસ , કાટમાળ અને ઝેરી કચરાથી ઉભરાઈ રહી છે વિશ્વામિત્રી; વરસાદ પહેલાં જ પૂરનું જોખમ વધ્યું

કાગળ પર નદી પુનરુત્થાનનાં કરોડોનાં પ્રોજેક્ટ, મેદાનમાં કચરાનાં પહાડ — સ્થાનિકોમાં ભારે રોષ
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીને સાફ કરવા અને પૂર જેવી પરિસ્થિતિ અટકાવવા માટે આશરે ₹૧૨૦૦ કરોડના પ્રોજેક્ટની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જમીન પરની હકીકત તંત્રનાં દાવાઓની પોલ ખોલતી જોવા મળી રહી છે. વિશ્વામિત્રી અદિતિ વિદ્યાલયથી માંજલપુર સનસિટી અને વિશ્વામિત્રી ટાઉનશિપ સુધીના વિસ્તારમાં નદીની અંદર જ ૨૦-૨૦ ફૂટ ઊંચા કચરાના ઢગલા નાખવાની કામગીરી ખુલ્લેઆમ ચાલી રહી છે.સ્થાનિકોનાં જણાવ્યા મુજબ નદીમાં પ્લાસ્ટર ઓફ પેરીસ , બિલ્ડિંગનો કાટમાળ, કાચ, પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. એક તરફ પાલિકા વિશ્વામિત્રીનાં પુનરુત્થાનના મોટા-મોટા દાવા કરાય છે, તો બીજી તરફ એ જ નદીને ધીમે ધીમે કચરાઘર બનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.શહેરમાં વર્ષોથી “નદી સાફ કરવાની” જાહેરાતો થાય છે, કરોડોના ટેન્ડરો ફાળવાય છે, મિટિંગો અને પ્રેઝન્ટેશન થાય છે, પરંતુ વાસ્તવિક કામગીરી જોતા એવું લાગી રહ્યું છે કે આખો ખેલ માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પાલિકા અને કેટલાક કોન્ટ્રાક્ટરો વચ્ચે “ઘી-કેળા” જેવી ગોઠવણ ચાલી રહી છે, જ્યાં નદી બચાવવાનાં નામે માત્ર બિલો જ બની રહ્યા છે.વિશ્વામિત્રીમાં થઈ રહેલા આ દબાણ અને કચરાના ઢગલાઓને કારણે સમ્રાજ્ય, ખિસકોલી સર્કલ, મુંજ મહુડા, અટલાદરા, વડસર અને વિશ્વામિત્રી ટાઉનશિપ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ભીતિ વધુ ગંભીર બની છે. સ્થાનિકોનું કહેવું છે કે નદીનો કુદરતી પ્રવાહ અટકાવવામાં આવશે તો થોડા વરસાદમાં પણ શહેર તરબોળ થઈ જશે.

વિશ્વામિત્રીમાં કચરો કોણ ઠાલવે છે?”
પર્યાવરણપ્રેમીઓએ પણ ચેતવણી આપી છે કે પ્લાસ્ટર ઓફ પેરીસ અને ઝેરી કચરો વરસાદી પાણી સાથે નદીમાં વહેતા હોવાથી જલચર પ્રાણીઓ અને પર્યાવરણને લાંબા ગાળે ભારે નુકસાન થઈ શકે છે. છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કે સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી.સ્થાનિક રહીશોમાં સૌથી મોટો સવાલ એ છે કે જો નદી સુધારણા માટે ખરેખર કરોડો ખર્ચાઈ રહ્યા છે, તો પછી નદીમાં કચરો કોણ ઠાલવી રહ્યું છે? શું પાલિકાને આ દેખાતું નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?
કરોડોનો પ્રોજેક્ટ, નદીમાં કાટમાળ!"
વડોદરાની વિશ્વામિત્રી નદી શહેરની જીવનરેખા માનવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે વિકાસનાં નામે નદીનું ગળું ઘૂંટાઈ રહ્યું છે. કરોડોનાં પ્રોજેક્ટોની જાહેરાતો વચ્ચે જો નદીમાં કચરાના પહાડ ઊભા થઈ રહ્યા હોય તો લોકોમાં તંત્ર પ્રત્યે અવિશ્વાસ વધવો સ્વાભાવિક છે. હવે જો આવનારા ચોમાસામાં પાણી ભરાવાની અને પર્યાવરણીય નુકસાનની સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે.
Reporter:







