News Portal...

Breaking News :

રાજકોટમાં પાણીજન્ય રોગચાળાનો પ્રકોપ, એક સપ્તાહમાં હજારો દર્દીઓ નોંધાયા

2026-05-11 14:54:48
રાજકોટમાં પાણીજન્ય રોગચાળાનો પ્રકોપ, એક સપ્તાહમાં હજારો દર્દીઓ નોંધાયા


રાજકોટ શહેરમાં દૂષિત પાણી અને ખોરાકને કારણે થતા પાણીજન્ય તથા મિશ્ર રોગચાળામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. 


છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં ઝાડા-ઉલટી, શરદી-ઉધરસ અને તાવ જેવા રોગોના કેસોમાં વધારો થતાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. આરોગ્ય વિભાગના સાપ્તાહિક રિપોર્ટ મુજબ, શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઝાડા-ઉલટીના 758 કેસ નોંધાયા છે. ઉપરાંત શરદી-ઉધરસના 648, સામાન્ય તાવના 384, કમળાના 2 અને ટાઈફોઈડનો 1 કેસ નોંધાયો છે. આ આંકડાઓ શહેરમાં પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે.ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં આ બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. 


રોગચાળાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. દૂષિત પાણી રોગચાળાનું મુખ્ય કારણ હોવાની શંકાને આધારે મનપાની ટીમોએ 1231 ઘરોમાં ક્લોરિન ટેસ્ટિંગ કર્યું હતું. પીવાના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ યોગ્ય રહે અને લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે જળ વિતરણ કેન્દ્રોને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.જે વિસ્તારોમાં રોગચાળાના કેસો વધુ નોંધાઈ રહ્યા છે ત્યાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને ઉકાળેલું પાણી પીવા, બહારનું ખાવાનું ટાળવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post