રેલી, ચિત્ર અને રંગોળી સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ
વડોદરા જિલ્લામાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ રેલીમાં જોડાઈ ‘અચુક મતદાન’નો સંદેશ આપતા નજરે પડ્યા
વડોદરા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાળાઓમાં મતદાન જાગૃતિ અભિયાન તેજ બન્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ નિરીક્ષક ભરતભાઈ સલાટના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગઈ કાલે જિલ્લામાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને મતદાન અંગે જાગૃતિ ફેલાવી હતી.આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા રેલી, ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજાયા હતા. વડોદરાની સરકારી માધ્યમિક શાળા, લીમડા-વાઘોડિયા દ્વારા ગામમાં મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ હાથમાં પોસ્ટરો લઈ ‘અચુક મતદાન કરો’ જેવા નારા લગાવી ગામજનોને જાગૃત કર્યા હતા.શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે તેઓ આવતીકાલના નાગરિકો છે અને લોકશાહી પ્રક્રિયામાં તેમનો મહત્વનો હિસ્સો છે. આ હેતુસર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ લોકશાહી અને મતદાનના મહત્વને સુંદર રીતે રજૂ કર્યું હતું.આ ઉપરાંત, રોઝરી હાઈસ્કૂલના ઓડિટોરિયમમાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોની હાજરીમાં મતદાન જાગૃતિ અંગે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ નિરીક્ષકો બી.જે. વણજારા, કે.એમ. ભોઈ, રાજલક્ષ્મીબેન, ઉમેશભાઈ માછી અને રોનકભાઈ ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે 100 % મતદાન સુનિશ્ચિત કરવા પ્રતિજ્ઞા લીધી હતી.પાદરા તાલુકાની આર.બી. પટેલ વિદ્યાલય, ભોજ તેમજ સર્વોદય ઉચ્ચતર બાલિકા શાળા, મહુવડ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લીલોડ અને વાઘોડિયાની સરકારી માધ્યમિક શાળા ગામદરા ખાતે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પોતાના માતાપિતા અને સગા-સંબંધીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી રહી છે.
Reporter: admin







