સહુનો સાથ સૌનો વિકાસ...
રાજકારણમાં હવે પીનારા, પીવડાવનારા,અને બુટલેગરોની પણ જરૂરિયાત પડવા લાગી ?
આવનારા દિવસોમાં પીનારા અને પીવડાવનારા માટે એક અલગ સમિતિ મુકવી પડે તો નવાઈ નહી
ગિફ્ટ સિટીમાં જે લાભ મળે તે સ્માર્ટ સિટીમાં પણ મળવો જોઈએ એવું ઘોષણાંપત્ર બહાર પડે તો નવાઈ નહી...
પક્ષપલટુને પુરસ્કાર, વફાદારોનું અપમાન: સોખડા બેઠક પર ભાજપમાં બળવો...
ગુલાંટી મારતા નેતાની પત્નીને ટિકિટ મળતા પાયાનાં કાર્યકરોમાં ઉકળાટ, શિસ્ત અને સંસ્કારના દાવા પર સવાલ...
આયા રામ-ગયા રામની રાજનીતિ વચ્ચે જૂના કાર્યકરો અવગણાયા, વાયરલ વીડિયોથી વિવાદ વધુ ભડક્યો
સોખડા જિલ્લા પંચાયતની બેઠક પર ગુલાંટી મારવામાં માહેર નેતાના પત્નીને ટિકિટ, આયા રામ, ગયા રામના ખેલ વચ્ચે ભાજપના પાયાનાં કાર્યકરોમાં ભારે રોષ...
વડોદરા જિલ્લા પંચાયતની સોખડા બેઠક પર હાલ જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે જોઈને લાગે છે કે રાજનીતિમાં હવે માત્ર 'સત્તા' અને 'વગ' જ સર્વોપરી છે. સોખડા બેઠક પરથી ભાજપે હેમાબેન કિરણસિંહ રાઠોડને ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ આ જાહેરાત બાદ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ભડકો થયો છે. આ વિવાદનાં કેન્દ્રમાં હેમાબેન નહીં, પરંતુ તેમના પતિ કિરણસિંહ રાઠોડ છે, જેઓ પોતાની રાજકીય ગુલાંટીઓ માટે પંથકમાં જાણીતા બન્યા છે.કિરણસિંહ રાઠોડનો રાજકીય ઇતિહાસ કોઈ ફિલ્મી પ્લોટથી ઓછો નથી. સ્થાનિક રાજકારણમાં તેઓ એક એવા ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે, જેમને પક્ષની વિચારધારા કરતા પદમાં વધુ રસ હોય તેમ જણાય છે. અગાઉ કોંગ્રેસમાં સક્રિય રહ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે, ત્યાં મન ન ધરાતા ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને હવે ફરી પાછા ભાજપના શરણે આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે નેતાએ વારંવાર પક્ષ સાથે છેડો ફાડ્યો, તેમને જ ભાજપે પત્ની માટે ટિકિટ આપી નવાજ્યા છે.આ નિર્ણયને પગલે સોખડા વિસ્તારના ભાજપના વર્ષો જૂના અને સંનિષ્ઠ કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કાર્યકરો કહી રહ્યા છે કે અમે વર્ષોથી પક્ષના ઝંડા લગાવીએ છીએ, તડકો વેઠીએ છીએ અને લાઠીઓ ખાઈએ છીએ. પરંતુ જ્યારે ફળ ચાખવાનો સમય આવે છે, ત્યારે પક્ષપલટુઓને લહાણી કરવામાં આવે છે. શું ભાજપ પાસે પોતાના પાયાના કાર્યકરોમાં કોઈ લાયક ઉમેદવાર નહોતો?ભાજપનાં પાયાના કાર્યકરોમાં ચર્ચા છે કે જો પક્ષપલટો કરનારને જ ટિકિટ મળતી હોય, તો શિસ્તબદ્ધ કાર્યકર હોવાનો શું અર્થ? કાર્યકરોની નારાજગીને કારણે પ્રચાર કાર્યમાં જોઈએ તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી, જેની સીધી અસર મતદાન પર પડી શકે છે.
દારૂનાં ગ્લાસ સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકીય અસંતોષ હજુ શમ્યો નહોતો, ત્યાં કિરણસિંહ રાઠોડનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ હાથમાં દારૂનો ગ્લાસ લઈને બેઠેલા જોવા મળે છે. ગુજરાત જેવા રાજ્યમાં, જ્યાં દારૂબંધીનો કડક અમલ કરવાની વાતો સરકાર કરે છે, ત્યાં જ શાસક પક્ષના ઉમેદવારનાં પતિનો આવો વીડિયો સામે આવતા ભાજપ રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ ગયું છે.ભાજપ હંમેશા 'સંસ્કાર' અને 'શિસ્ત'ની વાત કરે છે, ત્યારે આ વીડિયોએ પક્ષની શિસ્તનાં લીરેલીરા ઉડાડ્યા છે. હરિધામનગરી સોખડાનાં જાગૃત મતદારો હવે ઉમેદવારની પસંદગી કરતા પહેલા આ તમામ પાસાઓ પર વિચાર કરી રહ્યા છે.
Reporter: admin







