ભર ઉનાળે રસ્તા ગળી ગયા, ‘સ્માર્ટ સિટી’ના દાવા ભુવામાં સમાઈ ગયા!
મકરપુરા બાદ માંજલપુરમાં પણ ભુવો; કરોડોના ટેન્ડર છતાં નાગરિકોને મળ્યા ખાડા અને જોખમ
10થી 47 ટકા અબાઉ મંજૂર છતાં હલકી ગુણવત્તાના કામનો ખેલ યથાવત, એસી કેબીનમાં અધિકારીઓ અને મેદાનમાં કોન્ટ્રાકટરોના જલસા; બસ ફસાય પછી પણ પાલિકાને માત્ર નોટિસ-દંડનો જ દેખાવ

સ્માર્ટ સિટી નહીં, ‘ભુવો સિટી’! મકરપુરા બાદ માંજલપુરમાં બસ ફસાતા પાલિકાની કામગીરી ફરી ખાડામાં
વડોદરા મહાનગરપાલિકા શહેરને “સ્માર્ટ સિટી” કહેવામાં તો કોઈ કસર છોડતી નથી, પરંતુ હકીકતમાં શહેરની હાલત દિવસેને દિવસે “ભુવો સિટી” જેવી બનતી જઈ રહી છે. ભર ઉનાળે મકરપુરા રોડ પર અચાનક ભુવો પડતા લોકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો હતો. એટલું જ નહીં, માંજલપુર અલવાનાકા ત્રણ રસ્તા પાસે પણ ભુવો પડતા ટ્રાવેલ્સ બસ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. વરસાદ વગર જ રસ્તા ધસી પડે તો ચોમાસામાં શું હાલત થશે તેવો સવાલ હવે શહેરભરમાં ઉઠી રહ્યો છે.કરોડોના ટેન્ડરો, 10 ટકાથી લઈ 47 ટકા સુધીના “અબાઉ” મંજૂર થતા હોવા છતાં રોડની ગુણવત્તા એવી કે થોડા સમયમાં જ રસ્તા બેસી જાય, ગટર ધસી પડે અને ભુવા સર્જાય. લોકોમાં ચર્ચા છે કે વિકાસના નામે માત્ર કાગળો પર કામ થાય છે જ્યારે વાસ્તવમાં કોન્ટ્રાકટરોને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, કામ દરમિયાન કોઈ યોગ્ય સુપરવિઝન થતું નથી. અધિકારીઓ એસી ઓફિસોમાં બેઠા રહે છે અને મેદાનમાં કોન્ટ્રાકટરો મનફાવે તેમ કામ પૂર્ણ કરીને ચાલ્યા જાય છે. પરિણામે તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડે છે. વેરો ભર્યા છતાં લોકોને સુરક્ષિત રસ્તા પણ મળતા નથી.દર વખતે પાલિકા “નોટિસ આપી” અને “દંડ ફટકાર્યો” કહી પોતાની ફરજ પૂર્ણ થયાનો દાવો કરે છે, પરંતુ વર્ષોથી એક પણ મોટા કોન્ટ્રાકટરને કડક રીતે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો નથી. મકરપુરા અને માંજલપુરના ભુવાઓએ હવે સાબિત કરી દીધું છે કે શહેરમાં રોડ ઓછા અને ભ્રષ્ટાચારના ખાડા વધુ ઊંડા બન્યા છે.

માંજલપુરમાં ભુવામાં ટ્રાવેલ્સ બસ ફસાઈ
માંજલપુર અલવાનાકા ત્રણ રસ્તા પાસે પડેલા ભુવામાં એક ટ્રાવેલ્સ બસ ફસાઈ જતાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રોડની હાલત છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી છતાં પાલિકાએ કોઈ ધ્યાન આપ્યું નહોતું. ભર ઉનાળે રસ્તો ધસી પડતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લોકોમાં રોષ છે કે કરોડોના વિકાસ કામ છતાં શહેરના રસ્તા દિવસેને દિવસે વધુ જોખમી બની રહ્યા છે.
ભુવો રોડમાં નહીં, સિસ્ટમમાં પડ્યો છે!”
મકરપુરા અને માંજલપુરના ભુવાઓએ માત્ર રોડની નહીં પરંતુ આખી પાલિકા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. શહેરમાં ચર્ચા છે કે નેતાઓ અને અધિકારીઓની મીલીભગતના કારણે કોન્ટ્રાકટરો સામે ક્યારેય કડક કાર્યવાહી થતી નથી. કરોડોના ટેન્ડરો બાદ હલકી ગુણવત્તાના કામ થાય, રસ્તા તૂટી પડે, લોકોના જીવ જોખમાય છતાં અંતે માત્ર નોટિસ અને દંડનો દેખાવ થાય છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જવાબદાર અધિકારીઓ સામે ખરેખર કાર્યવાહી કરશે કે ફરી ફાઈલોમાં જ જવાબદારી દાટી દેવામાં આવશે? હાલની સ્થિતિ જોતા “સ્માર્ટ સિટી” કરતાં “સેટિંગ સિટી” શબ્દ વધુ યોગ્ય લાગી રહ્યો છે.
Reporter: admin







