News Portal...

Breaking News :

રોડ શો માટે રાતદિવસ દોડતું તંત્ર, વિરાસત માટે બંધ માંડવી દરવાજો — આને કહેવું ‘વિરાસતથી વિકાસ કે ઇવેન્ટથી વિનાશ

2026-05-11 12:18:21
રોડ શો માટે રાતદિવસ દોડતું તંત્ર, વિરાસત માટે બંધ માંડવી દરવાજો — આને કહેવું ‘વિરાસતથી વિકાસ કે ઇવેન્ટથી વિનાશ


વિરાસતના નામે બજેટ, હકીકતમાં બંધ કામ! માંડવી દરવાજા માટે 393 દિવસના તપ બાદ પણ તંત્ર નિષ્ફળ



વડાપ્રધાન મોદીના આગમન પહેલાં રોડ શો અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં વ્યસ્ત તંત્ર સામે વારસાગત ઐતિહાસિક સ્મારકોની અવગણનાનો ગંભીર આક્ષેપ...
વડોદરા શહેરની ઐતિહાસિક ઓળખ ગણાતા માંડવી દરવાજાના રિસ્ટોરેશન મુદ્દે ફરી એકવાર તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા 393 દિવસથી વિરાસત બચાવવા માટે તપ કરી રહેલા એક જાગૃત નાગરિકે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશનનું કામ છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, છેલ્લા દસ દિવસથી સમગ્ર મહાનગરપાલિકા તંત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડોદરા આગમન અને રોડ શોની તૈયારીઓમાં એટલું વ્યસ્ત બન્યું છે કે શહેરની અસલી ઓળખ બનેલી વિરાસતો તરફ ધ્યાન આપવાનું પણ બંધ થઈ ગયું છે.આક્ષેપ મુજબ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026ના બજેટને “વિરાસતથી વિકાસ” નામ આપવામાં આવ્યું હતું અને વિરાસતોના વિકાસ માટે 151 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં કુલ 128 હેરિટેજ સ્થળોની ઓળખ પણ કરવામાં આવી છે. છતાં હકીકતમાં શહેરની સૌથી પ્રતિકાત્મક ઐતિહાસિક ધરોહર ગણાતા માંડવી દરવાજાનું કામ અટકી જવું એ તંત્રની નિષ્ફળતા અને માત્ર કાગળ પરના વિકાસનું જીવંત ઉદાહરણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.શહેરમાં હવે ચર્ચા એ બાબતની ચાલી રહી છે કે “વિરાસતથી વિકાસ” માત્ર બજેટનું આકર્ષક શીર્ષક બની રહ્યું છે કે ખરેખર શહેરની ધરોહર બચાવવા માટે કોઈ ઈમાનદાર ઈચ્છાશક્તિ પણ છે?



વિરાસત ભૂલાઈ, ઇવેન્ટ મેનેજમેન્ટ આગળ આવ્યું”
વિરાસતપ્રેમીઓનું કહેવું છે કે વડોદરાને આ ઐતિહાસિક વારસો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા મળ્યો હતો અને ગાયકવાડ પરિવારે 1952માં આ વારસાને મહાનગરપાલિકાને સોંપ્યો હતો. પરંતુ આજની સ્થિતિ એવી બની છે કે શહેરના વારસાને સાચવવાની જગ્યાએ માત્ર રાજકીય કાર્યક્રમો અને ઇવેન્ટ મેનેજમેન્ટને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રસ્તાઓ ચમકાવવામાં, બેનરો લગાવવામાં અને કાર્યક્રમોની તૈયારીઓમાં કરોડોનો ખર્ચ થાય છે, પરંતુ વિરાસતોના સાચા સંરક્ષણ માટે કામની ગતિ ધીમી કે બંધ થઈ જવી એ ચિંતાજનક બાબત બની છે.

મોદીજી, વડોદરાની વિરાસત બચાવશો?”
વિરાસત બચાવવા અવાજ ઉઠાવનાર નાગરિકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સીધી અપીલ કરતાં જણાવ્યું છે કે “આપ દેશભરમાં વિકાસ સાથે વિરાસતોને સાચવવાનો સંદેશ આપો છો, પરંતુ વડોદરામાં વિકાસ દેખાતો નથી અને વિરાસતો પણ બચતી નથી. તેથી વડોદરાની ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે મહાનગરપાલિકાને કડક સૂચના આપવી જરૂરી બની છે.”

Reporter: admin

Related Post