વોશિંગ્ટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન તરફથી આવેલા નવા શાંતિ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું કે, “મેં ઈરાનના પ્રતિનિધિઓનો જવાબ વાંચ્યો. મને તે બિલકુલ પસંદ આવ્યો નથી અને તેને સ્વીકારી શકાય નહીં.”આ પહેલા પણ ટ્રમ્પ ઈરાન પર સમય પસાર કરવા અને રાજકીય રમત રમવાના આરોપો લગાવી ચૂક્યા છે. બીજી તરફ ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, તેહરાને રવિવારે પાકિસ્તાન મારફતે અમેરિકાને નવો પ્રસ્તાવ મોકલ્યો હતો. તેમાં યુદ્ધ સમાપ્ત કરવું, ફારસની ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવી, આર્થિક પ્રતિબંધો હટાવવાના મુદ્દા તેમજ પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા શરૂ કરવાની વાત સામેલ હતી.અહેવાલો અનુસાર, અમેરિકાએ પણ આ અઠવાડિયે ઈરાનને 14 મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
તેમાં ઈરાનને ઓછામાં ઓછા 12 વર્ષ સુધી યુરેનિયમ એનરિચમેન્ટ બંધ રાખવાની અને તેની પાસે રહેલું લગભગ 440 કિલો 60 ટકા એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને સોંપવાની શરત મૂકી હતી. તેના બદલામાં અમેરિકા આર્થિક પ્રતિબંધોમાં રાહત, ફ્રીઝ કરાયેલી અબજો ડોલરની સંપત્તિ મુક્ત કરવી તેમજ ઈરાની બંદરો પર લાગેલી નૌકાદળની નાકાબંધી હટાવવાની તૈયારી દર્શાવી હતી.જોકે, ઈરાન તરફથી મળતી માહિતી મુજબ તેહરાન પોતાના પરમાણુ કાર્યક્રમ અને હાઈલી એનરિચ્ડ યુરેનિયમ મુદ્દે સંપૂર્ણ સમાધાન કરવા તૈયાર નથી. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમનો જવાબ “સકારાત્મક અને વ્યવહારુ” છે અને હવે આગળનો નિર્ણય અમેરિકા પર નિર્ભર છે.આ દરમિયાન બંને દેશો વચ્ચે 8 એપ્રિલથી લાગુ થયેલા યુદ્ધવિરામને સત્તાવાર રીતે સમાપ્ત કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, છતાં બંને પક્ષો વચ્ચે તણાવ યથાવત રહ્યો છે.
Reporter: admin







