વોશિંગ્ટન/તહેરાનઃ અમેરિકા અને ઈઝરાયલ સાથે વધતા તણાવ અને નાકાબંધી વચ્ચે ઈરાન હવે ગંભીર ઓઈલ સંકટનો સામનો કરી રહ્યું છે.
સ્ટોરેજ ક્ષમતા પૂર્ણ થઈ જતા ઈરાન પર દરિયામાં વધારાનું તેલ છોડવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાર્ગ દ્વીપ નજીક દરિયામાં ફેલાયેલા વિશાળ કાળા ઓઈલ ધબ્બાઓએ વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને ઊર્જા સુરક્ષા અંગે ચિંતા વધારી છે. અહેવાલો મુજબ, ઈરાન દરરોજ અંદાજે 30 લાખ બેરલથી વધુ તેલનું ઉત્પાદન કરે છે. આ તેલનો મોટો જથ્થો ખાર્ગ દ્વીપ સ્થિત મુખ્ય નિકાસ ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવે છે. જોકે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઈરાનના બંદરો નજીક અમેરિકન સેનાની નાકાબંધીને કારણે ઓઈલ ટેન્કરો બહાર નીકળી શકતા નથી, જેના કારણે નિકાસ પ્રભાવિત થઈ છે. ઉત્પાદન સતત ચાલુ રહેતા ઈરાનની ઓનશોર સ્ટોરેજ ટેન્કો ભરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ જૂના ઓઈલ ટેન્કરોને પણ દરિયામાં ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. છતાં વધતા સ્ટોકને કારણે હવે દરિયામાં ઓઈલ છોડવામાં આવી રહ્યું હોવાની આશંકા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.યુરોપિયન સ્પેસ એજન્સીના સેન્ટિનલ સેટેલાઈટ ડેટા અને અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફારસની ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ અનેક સ્થળોએ દરિયાની સપાટી પર ઓઈલ સ્લિક્સ જોવા મળ્યા છે.
ખાર્ગ દ્વીપ નજીક જોવા મળેલો એક કાળો ઓઈલ ધબ્બો આશરે 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો હોવાનું જણાવાયું છે. રડાર વિશ્લેષણમાં દરિયાની સપાટી પર તેલના ચીકણા સ્તર જેવી અસર જોવા મળી હતી, જે ઓઈલ લીકેજ અથવા દરિયામાં ઓઈલ છોડવાના સંકેત માનવામાં આવી રહ્યા છે.નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા સમય સુધી તેલ ઉત્પાદન બંધ રાખવાથી ભૂગર્ભ તેલ ભંડારોને નુકસાન થઈ શકે છે. પાઈપલાઈન અને કુવાઓમાં ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થવાનો ભય હોવાથી ઈરાન ઉત્પાદન અટકાવી શકતું નથી. બીજી તરફ નિકાસ બંધ થતાં સ્ટોરેજ પર ભારે દબાણ સર્જાયું છે.સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંનો એક છે, જ્યાંથી દુનિયાના અંદાજે 20 ટકા ઓઈલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે. હાલની પરિસ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં વધારો નોંધાયો છે, જ્યારે ભારત સહિત અનેક દેશોમાં ઈંધણ અને પરિવહન ખર્ચ પર પણ અસર જોવા મળી રહી છે.આ વચ્ચે અહેવાલો મુજબ ઈરાન ગુપ્ત રીતે ચીન અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં ઓઈલ નિકાસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, દરિયામાં જોવા મળતા કાળા ધબ્બાઓને લઈને ઈરાન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નિષ્ણાતો માને છે કે વધતા સ્ટોક અને મર્યાદિત સ્ટોરેજ ક્ષમતાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
Reporter: admin







