News Portal...

Breaking News :

જર્મની ભણવા ગયેલા પંજાબી યુવકનું રશિયામાં મોત, 9 મહિના બાદ આવ્યો મૃતદેહ; પરિવારે ઘર વેચીને અંતિમવિધિ કરી

2026-05-11 11:18:03
જર્મની ભણવા ગયેલા પંજાબી યુવકનું રશિયામાં મોત, 9 મહિના બાદ આવ્યો મૃતદેહ; પરિવારે ઘર વેચીને અંતિમવિધિ કરી


નવી દિલ્હીઃ પંજાબના ગુરસેવક સિંહ નામના યુવકના રશિયામાં થયેલા મોતનો મામલો ચકચાર જગાવી રહ્યો છે. 


વર્ક પરમિટ પર જર્મની ગયેલો યુવક કેવી રીતે રશિયન સેનામાં પહોંચ્યો અને તેનું મોત કેવી રીતે થયું તે હજુ સુધી રહસ્ય બન્યું છે. ગુરસેવક સિંહનો મૃતદેહ લગભગ 9 મહિના બાદ વતન પહોંચતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.માહિતી મુજબ, ગુરસેવક સિંહ પંજાબના શ્રી હરગોબિંદપુર નજીક આવેલા બોહજા ગામનો રહેવાસી હતો. પરિવારના જણાવ્યા અનુસાર, 2025ની શરૂઆતમાં તે વર્ક પરમિટ પર જર્મની ગયો હતો. સપ્ટેમ્બર 2025માં તેની સાથે છેલ્લી વખત વીડિયો કોલ પર વાત થઈ હતી. ત્યારબાદ તેનો કોઈ સંપર્ક રહ્યો નહોતો.ત્રણ મહિના પહેલા રશિયાથી પરિવારને ફોન કરીને ડીએનએ સેમ્પલ માંગવામાં આવ્યા હતા, પરંતુ યુવકના મોત અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી. બાદમાં જિલ્લા તંત્ર મારફતે પરિવારને જાણ કરવામાં આવી કે ગુરસેવકનો મૃતદેહ દિલ્હી પહોંચી ગયો છે.


પરિવારે જણાવ્યું કે, દીકરાને શોધવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને અનેક પત્રો લખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. અંતે ભારત સરકાર દ્વારા જાણ કરવામાં આવી કે ગુરસેવકનું રશિયન સેનામાં મોત થયું છે અને ઓળખ માટે ડીએનએ સેમ્પલ મોકલવા પડશે. આ પ્રક્રિયા અને મૃતદેહને વતન લાવવા માટેનો ખર્ચ પણ પરિવારને જ ઉઠાવવો પડ્યો હતો. પરિવારને આર્થિક સંકટ વચ્ચે પોતાનું ઘર વેચવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે.રશિયાની તરફથી ગુરસેવક સિંહને સૈનિક સન્માન આપવામાં આવ્યું હતું અને ડેથ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. જોકે, તેનું મોત કઈ પરિસ્થિતિમાં થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે.ગામજનો અને સ્થાનિકોએ સરકાર સમક્ષ પરિવારને આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા માંગ કરી છે. યુવકના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Reporter: admin

Related Post