News Portal...

Breaking News :

રાહુલ ગાંધી-વિજયની વાયરલ રીલ વિવાદમાં રાજકીય ગરમાવો, કોંગ્રેસે કેન્દ્ર અને મેટા પર લગાવ્યા ગંભીર આરોપ

2026-05-11 11:13:55
રાહુલ ગાંધી-વિજયની વાયરલ રીલ વિવાદમાં રાજકીય ગરમાવો, કોંગ્રેસે કેન્દ્ર અને મેટા પર લગાવ્યા ગંભીર આરોપ


વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય સાથેની વાયરલ ઈન્સ્ટાગ્રામ રીલ અને તસવીરો અચાનક બ્લોક થવાના મામલે રાજકીય વિવાદ ઊભો થયો છે. 


કોંગ્રેસે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) તથા મેટા (Meta) પર વિપક્ષનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.કોંગ્રેસના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી વિજય સાથેની રીલ અને તસવીરોને ઈન્સ્ટાગ્રામ દ્વારા બ્લોક કરવામાં આવી હતી. રવિવારે રાહુલ ગાંધી ચેન્નાઈમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને રીલ પોસ્ટ કરી હતી. સરકારી સૂત્રોએ કોંગ્રેસના આરોપોને નકારી કાઢતાં જણાવ્યું કે, આ મામલે સરકારનો કોઈ સંબંધ નથી અને પ્લેટફોર્મની આંતરિક ટેકનિકલ ખામીના કારણે પોસ્ટ થોડા સમય માટે બ્લોક થઈ હતી. 


પીટીઆઈના અહેવાલ મુજબ, બાદમાં આ પોસ્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીના સહયોગી શ્રીવત્સે સોશિયલ મીડિયા પર આ મામલે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી અને ‘થલાપતી’ વિજય સાથેની રીલને એક કલાકથી પણ ઓછા સમયમાં 1.2 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા, જ્યારે તસવીરો વાળી પોસ્ટ 4.6 કરોડ લોકો સુધી પહોંચી હતી. તેમનો આરોપ છે કે મેટા અને કેન્દ્ર સરકારના નિયમોને કારણે વિપક્ષી નેતાઓની સોશિયલ મીડિયા પહોંચને ઈરાદાપૂર્વક મર્યાદિત કરવામાં આવી રહી છે.કેરળ કોંગ્રેસે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વિપક્ષની વધતી લોકપ્રિયતા સામે ભાજપ સરકાર અસુરક્ષિત બની ગઈ છે અને ટેકનિકલ ખામીના નામે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.કોંગ્રેસે સમગ્ર ઘટનાને માત્ર ટેકનિકલ ભૂલ નહીં પરંતુ વિપક્ષના વધતા પ્રભાવને રોકવા માટેનું ષડયંત્ર ગણાવ્યું છે. બીજી તરફ, સરકાર અને સંબંધિત સૂત્રો આ તમામ આરોપોને ફગાવી રહ્યા છે.

Reporter: admin

Related Post