વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે મહત્વપૂર્ણ બીજો દિવસ છે. જામનગરમાં ભવ્ય જનસભા બાદ આજે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શનાર્થે પહોંચ્યા છે.

સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં વડાપ્રધાન વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો શરૂ થયો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે. સમગ્ર માર્ગ પર દેશભક્તિ અને ધાર્મિક ભાવનાનો માહોલ જોવા મળી રહ્યો છે.આજે પીએમ મોદીના હસ્તે સોમનાથ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક તથા ધ્વજારોહણ કરવામાં આવશે. આ માટે વિશાળ કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવા ખાસ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, મહારૂદ્ર યજ્ઞ અને ધાર્મિક વિધિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ ટીમ દ્વારા આકાશમાં રોમાંચક એર-શો યોજાશે, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બનશે. બપોરે વડાપ્રધાન વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે વડોદરા પહોંચશે, જ્યાં તેઓ સરદારધામ-3નું લોકાર્પણ કરશે. વડોદરામાં પણ તેમના સ્વાગત માટે વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં મળેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી શહેરમાં ‘બંગાળ થીમ’ આધારિત સ્વાગતની વિશેષ ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે.
Reporter: admin







