એલિવેટર કે સીડી વગર કેવી રીતે પહોંચી? L&T નોલેજ સિટીના કન્સ્ટ્રક્શન સાઈટ પરથી સફળ રેસ્ક્યુ
વાઘોડિયા રોડ પર 11મા માળેથી બે શાહુડીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાઈ
સામાન્ય રીતે જમીની પ્રાણીઓને હાઈ-રાઈઝ બિલ્ડિંગના ઉપરના માળે જોવા મળવું એક અજીબ અને અનોખી ઘટના છે. વાઘોડિયા રોડ પર આવેલી L&T નોલેજ સિટીની કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી જ એક આશ્ચર્યજનક ઘટના બની છે. નિર્માણાધીન બિલ્ડિંગના 11મા માળે અચાનક બે શાહુડી (પોર્ક્યુપાઇન્સ) જોવા મળતા આસપાસ ભારે દોડધામ મચી ગઈ હતી.શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે 11મા માળે વિચિત્ર હલચલ જોવા મળી. નજીક જઈને તપાસ કરતા તે બે શાહુડી હોવાનું સામે આવ્યું. જમીન પર રહેતું આ પ્રાણી આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યું તે એક મોટું રહસ્ય બની ગયું છે. એલિવેટર કે સીડીનો ઉપયોગ કર્યા વગર તે કેવી રીતે 11મા માળ સુધી પહોંચી ગયું તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.
આ ઘટનાની જાણ વન્યજીવ પ્રેમી યશ તડવીને કરવામાં આવી. તેમણે તુરંત વન વિભાગના જીગ્નેશ પરમારનો સંપર્ક કર્યો. બંનેની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. શાહુડીના અણીદાર કાંટાઓને કારણે આ ઓપરેશન ખૂબ જ પડકારજનક હતું. ટીમે ભારે સાવધાની અને કુશળતાથી કામ કરીને બંને શાહુડીઓને સુરક્ષિત રીતે પાંજરામાં કેદ કરી.રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ બંને શાહુડીઓને 11મા માળેથી સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવી અને વન વિભાગને સોંપવામાં આવી છે. વન વિભાગ તેમનું નિરીક્ષણ કરીને તેમને તેમના કુદરતી રહેઠાણમાં મુક્ત કરશે.આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગઈ છે. ઇજનેરો અને શ્રમિકોમાં આ અનોખી ઘટનાએ આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે. વડોદરામાં વન્યજીવોના રેસ્ક્યુની અનેક ઘટનાઓ બનતી રહે છે, પરંતુ હાઈ-રાઈઝ બિલ્ડિંગના 11મા માળે શાહુડી જોવા મળવી એ વડોદરાની વન્યજીવ વિવિધતાનું અનોખું ઉદાહરણ છે.વન્યજીવ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓએ આવી ઘટનાઓમાં લોકોને સતર્ક રહેવા અને તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન વડોદરામાં વન્યજીવ સંરક્ષણની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
Reporter: admin







