જામીન મળ્યા બાદ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી સામે આવતા ગુજરાત હાઈકોર્ટ અને સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે લીધો કડક વલણ
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા “બિચ્છુ ગેંગ”ના આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી.
વડોદરામાં વર્ષ ૨૦૨૧ દરમિયાન નોંધાયેલા ગુજસીટોક કેસમાં સંડોવાયેલા “બિચ્છુ ગેંગ”ના ચાર આરોપીઓના જામીન રદ કરવામાં આવ્યા છે. આરોપીઓ જામીન મળ્યા બાદ ફરી અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયા હોવાનું સામે આવતા ગુજરાત હાઈકોર્ટ તેમજ વડોદરાની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાલમાં ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે.ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ ૨૦૨૧માં અસલમ ઉર્ફે ઢોડીયા હેદરમિયા શેખ સહિત કુલ ૨૬ આરોપીઓ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી દ્વારા હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે જામીન પર મુક્ત થયેલા કેટલાક આરોપીઓએ ફરી ગુનાહિત કૃત્યો આચર્યા હતા. મહમદહુસૈન ઉર્ફે મનુનો ઉર્ફે તરબચુ જાકીરહુસૈન શેખે પાણીગેટ વિસ્તારમાં ફરિયાદીને ગુપ્તિ બતાવી રૂપિયા માંગ્યા હતા. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.ત્યારે તનવીર ઉર્ફે તન્નુ શબ્બીરહુસેન મલેક હરણી વિસ્તારમાં ડ્રગ્સ વેચાણમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું હતું. એસઓજીની ટીમે તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. બીજી તરફ તૌસિફ ઉર્ફે ભુરીયો શબ્બીરહુસેન મલેક સામે મારામારીનો ગુનો નોંધાયો હતો.
આ ત્રણેય આરોપીઓએ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી જામીનની શરતોનો ભંગ કર્યો હોવાનું જણાતા તપાસ અધિકારી ડી.જે. ચાવડા સાહેબે સરકારી વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. હાઈકોર્ટે રજૂ થયેલા પુરાવા અને હકીકતોના આધારે ત્રણેય આરોપીઓના જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો.આ ઉપરાંત અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ સામે પણ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો ગુનો નોંધાયો હતો. આરોપીએ ગુજસીટોક કેસની જામીન શરતોનો ભંગ કર્યો હોવાનું સામે આવતા તપાસ અધિકારીએ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં અરજી કરી હતી. જેના આધારે કોર્ટે તેના જામીન પણ રદ કર્યા હતા.ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે જામીન પર મુક્ત થયેલા આરોપીઓએ સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો જોઈએ અને ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવું જોઈએ. તેમ છતાં આરોપીઓ ફરી કાયદાનો ભંગ કરતા હોવાને કારણે કોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.હાલમાં ચારેય આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।
Reporter: admin







