વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોને રિજવવા અથવા ડરાવવા પ્રચારનાં અંતિમ હથિયાર બહાર કાઢવામાં આવ્યા
અશાંત ધારો અને વિકાસ માટે ફંડ ન આપવાની ધમકીથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ
શું મુસ્લિમ મતદારોને તેમના સંવિધાનના અધિકારોથી જ વંચિત રખાશે?

મુસ્લિમ મતદારોનાં નામે મતદારોને ગભરાવી ભાજપ તરફ મતદાન કરાવવા કવાયત શરૂ
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ભાજપ પાસે જીતવા માટે અને મતદારોને રિજવવા માટે વિકાસનો મુદ્દો ક્યારેય હોતો જ નથી. કોઈ પણ મુદ્દાથી શરૂ થયેલો પ્રચાર અંતિમ દિવસોમાં હિન્દુ – મુસ્લિમ સુધી પહોંચી જાય છે. એટલું જ નહીં ભાજપનાં નેતાઓ હોય કે પછી કાર્યકરો દ્વારા તો ભાજપને મત ન આપનાર વિસ્તારમાં વિકાસ માટે ફંડ ન આપવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પારદર્શક, સ્વચ્છ, બિનભયભીત અને આદર્શ ચૂંટણી યોજવાની ગુલબંગો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પ્રચારનાં પડઘમ શાંત થવામાં હવે, ગણતરીનાં દિવસો જ બાકી છે, ત્યારે ભાજપ દ્વારા ધમકી તેમજ ધર્મનાં નામે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપનાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી દ્વારા વિકાસ માટે ફંડ ન આપવાની ધમકી આપતા એક વિડીયો વાયરલ થયો છે! બીજી તરફ ભાજપમાંથી સસ્પેન્ડ થઈ પરત ભાજપમાં આવનાર પૂર્વ કાઉન્સિલર દ્વારા પણ શહેરના એક ચોક્કસ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવવાની બાંહેધરી આપી દીધી છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ભાજપ દ્વારા શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં એટલો પણ વિકાસ કરવામાં આવ્યો નથી કે તેના નામે મતદારો પાસે મત માંગી શકાય કે પછી ભાજપ લોકોને હિન્દુ - મુસ્લિમનાં નામે ગભરવાની જ રાજનીતિ કરવામાં મને છે. રાજ્ય હોય કે કેન્દ્ર ચૂંટણી પંચ હંમેશા પારદર્શક ચૂંટણી કરાવવાની જાહેરાત કરે છે. બીજી તરફ ચૂંટણી પંચ માટે મતદાર એટલે મતદાર તેનો કોઈ ધર્મ હોતો નથી. એવા કિસ્સામાં પ્રચારનાં નામે ભાજપના નેતાઓ દ્વારા મતદારોને ધર્મના નામે ધમકી આપવામાં આવે છે અથવા તો ડરાવવામાં આવી રહ્યા છે, તેમ છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. જે આદર્શ આચરસંહિતાની ગાઈડલાઇનનાં છડેચોક ધજાગરા ઊડી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું, વડોદરાનાં જુદા જુદા વિસ્તારમાં રહેતા મુસ્લિમ મતદારોને શહેરમાં વેપાર – ધંધો કરવાનો અધિકાર નથી. વસવાટ કરવાનો અધિકાર નથી, સંવિધાને આપેલો મતદાનનો અધિકાર નથી ? દરેક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવશે તો મુસ્લિમ મતદારો માટે જાયે તો જાયે કહાં જેવી સ્થિતિમાં મુકાઇ ગયા છે. મતદારોનો મતદાનનો અધિકાર છીનવાઇ રહ્યો છે, તેમ છતાં ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ચૂપ છે, તેમની આદર્શ આચારસંહિતાનું પાલન કરાવતી ટીમ અને અધિકારીઓ દ્વારા પણ આ બાબતે કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. મતદારોને નિર્ભય વાતાવરણમાં મતદાન કરાવવાની જવાબદારી ચૂંટણી પંચ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આપવામાં આવી છે, તેવા સમયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા પણ એક રાજકીય પક્ષના સમર્થનમાં આદર્શ આચારસંહિતાનાં ભંગ બદલ પગલાં લેવામાં આવી રહ્યા નથી અથવા તો આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
લવ-જેહાદ જેવા કિસ્સામાં કોંગ્રેસના નેતાઓ કોની સાથે હશે?
ભારતમાં પાડોશી દેશ દ્વારા જેહાદ કરી દેશના ભાગલા પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. જેમાંથી એક લવ-જેહાદ પણ છે. જે માટે પાડોશી દેશ દ્વારા એક કોમના ખાસ લોકો માટે રેટ કાર્ડ પર આપવામાં બનાવવામાં આવ્યા છે. એવા સમયે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા અથવા તો પહેલાથી જ કોંગ્રેસની વિચારધારા ધરાવતા નેતાઓ અને ઉમેદવારો આવા કિસ્સા ભવિષ્યમાં તેમના વિસ્તારમાં બને તો શું સ્ટેન્ડ લેશે તેવો સવાલ પર મતદારો પૂછી રહ્યા છે.
કહેવાતા હિન્દુ વાદીઓ દ્વારા મતદાન ન કરવા અપીલ
સોશિયલ મિડીયા પર ભાજપનો પ્રચાર કરતાં અથવા તો અંધ ભક્તો તરીકે ઓળખાતા કહેવાતા હિન્દુઓ દ્વારા મતદારને મતદાન ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. શહેરના ભાજપના ગઢ ગણાતા એક વોર્ડમાં કોંગ્રેસનો પ્રભાવ હાલ વધારે લાગી રહ્યો છે. તેવા સમયે અંધ ભક્તો અને કહેવાતા હિન્દુ વાદીઓ દ્વારા મતદારોને ડરવવામાં આવી રહ્યા છે, ભાજપ હારશે તો વિકાસ નહીં થાયની વાતો કહેવામાં આવી રહી છે. એટલું જ નહીં ભાજપનો વિરોધ હોય તો મતદાન કરવા માટે જ અપીલ કરાઇ રહી છે.
મુસ્લિમ મતદારોને મતદાન મથક સુધી ન પહોંચવા દેવા કવાયત
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનાં પ્રભુત્વ ધરાવતા અનેક વોર્ડમાં ભાજપનો પ્રભાવ ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એવામાં જે વિસ્તારમાં મુસ્લિમ મતદારો છે, તે વિસ્તારમાં ભાજપનાં ઘટી રહેલા પ્રભાવનો ફાયદો કોંગ્રેસને મળી શકે તેવી બીક છે. જેથી ભાજપ દ્વારા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ મતદારો મતદાન મથક સુધી પહોંચે તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં તે માટે મુસ્લિમ સમાજનાં અગ્રણીઓનો પણ સાથ લેવામાં આવી રહ્યો છે. આ કવાયત જોતાં આગામી તા. 26મી એપ્રિલના રોજ કેટલાક જ વિસ્તારમાં મતદાન ઘટે તો નવાઈ નહીં.
મતદારને મતદાન કરતાં રોકવું ગુનો બને છે.
ભાજપનાં નેતાઓ, કાર્યકરો અને ભાજપનો પ્રચાર કરતાં કહેવાતા હિન્દુ વાદીઓ દ્વારા મતદારોને ધમકી આપી, વિકાસ ન થવાની બીક બતાવી, ધર્મ નામે અથવા યેનકેન પ્રકારે મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 હેઠળ, કોઈ મતદારને ડરાવી-ધમકાવીને કે બળજબરીથી મતદાન કરતા રોકવા અથવા કોઈ ખાસ ઉમેદવારને મત આપવા મજબૂર કરવાને ભ્રષ્ટ પ્રથાગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મતદારને મતદાન કરતા અટકાવવા માટે હિંસા અથવા ધમકીનો ઉપયોગ કરે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (અગાઉની આઇપીસી) હેઠળ ગુનો નોંધી શકાય છે. ચૂંટણી પંચ સુનિશ્ચિત કરે છે કે, દરેક મતદાર નિર્ભય રીતે મતદાન કરી શકે. આ માટે સંવેદનશીલ વિસ્તારોમાં વલ્નરેબિલિટી મેપિંગ કરવામાં આવે છે જેથી ડર કે દબાણને કારણે કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહે. જો અનુસૂચિત જાતિ અથવા જનજાતિના મતદારોને મતદાન કરતા અટકાવવામાં આવે, તો તે એસસી, એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ ગુનો બને છે. તે ઉપરાંત ચૂંટણી દરમિયાન જો કોઈ મતદારોને મતદાન કરતાં અટકાવવામાં આવે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ભારતનું ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી શકાય છે.
Reporter: admin







