News Portal...

Breaking News :

જલ-સેવા પ્રભુ સેવા, પરંતુ પૂર્વ કોર્પોરેટરે પાણીની લાઈન આપાવવા માટે કર્યો 25 લાખનો તોડ

2026-04-23 11:46:02
જલ-સેવા પ્રભુ સેવા, પરંતુ પૂર્વ કોર્પોરેટરે પાણીની લાઈન આપાવવા માટે કર્યો 25 લાખનો તોડ


નગરસેવકોની મોટા તોડ પાડવાની, જીગર ખુલી
બીજા કમાઈ ગયા ને હું રહી ગયોની માનસિકતા દિવસે ને દિવસે વધી રહી છે
સત્તાના શેલ્ટરમાં લૂંટનો ખેલ! પૂર્વ વિસ્તારનાં ભાજપના રિપીટ ઉમેદવારનો ₹25 લાખનો તોડકાંડ બહાર આવ્યો
પાણી માટે જનતા તરસે અને નેતા ખિસ્સા ભરે — દબાણ પડતાં રૂપિયા પરત, પણ સવાલો યથાવત



ધારાસભ્યના આશીર્વાદે દાદાગીરી? બિલ્ડર પાસેથી પાણી લાઇન માટે 25 લાખની માંગણી બાદ ભાંડો ફૂટ્યો, ચૂંટણી પહેલા ભાજપ માટે ભારે ઝટકો
શહેરના રાજકારણમાં અત્યારે એક જ ચર્ચા છે કે પોતાને જનતાના સેવકો કહેવાતા લોકો જ જનતાને યેનકેન લૂંટવા બેઠા છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવેલા ઉમેદવારોનાં કાળા ચિઠ્ઠા એક પછી એક બહાર આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના એક પૂર્વ કોર્પોરેટર અને હાલના રિપીટ ઉમેદવારે આચરેલા રૂ. 25 લાખના કથિત કાંડથી સમગ્ર વડોદરાના રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.મળતી માહિતી મુજબ, પૂર્વ વિસ્તારના આ રિપીટ ઉમેદવાર, જેઓ વિસ્તારના એક પ્રભાવશાળી ધારાસભ્યના અત્યંત માનીતા ગણાય છે, તેમણે સત્તાનો દુરુપયોગ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. આ વિસ્તારમાં આવેલી 'ઓમ' નામની એક કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડર પાસેથી નવી પાણીની લાઇન નાખવા માટે આ પૂર્વ કોર્પોરેટરે 25 લાખની મસમોટી રકમની માંગણી કરી હતી. એક બાજુ સામાન્ય જનતા ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી બાજુ આ નેતાએ બિલ્ડર પાસેથી પાણીના જોડાણ અને લાઇનના કામ માટે 25 લાખ પડાવ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે.આ ઘટના સાબિત કરે છે કે વડોદરાના કેટલાક પૂર્વ કોર્પોરેટરો માટે નગરસેવા એ સેવાનું માધ્યમ નહીં, પરંતુ કમાણીનું સાધન બની ગયું છે. આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે આ ભ્રષ્ટાચારની ગંધ પક્ષના જ કેટલાક ઉચ્ચ હોદ્દેદારોને આવી. આ મામલો છેક ભાજપના શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મામલો વધુ વણસે અને આગામી ચૂંટણીમાં પક્ષની આબરૂના લીરેલીરા ઉડે તે પહેલાં શહેર પ્રમુખે કડક વલણ અપનાવી દરમિયાનગીરી કરી હતી. શહેર પ્રમુખના દબાણને વશ થઈને અંતે પેલા રિપીટ ઉમેદવારે બિલ્ડરને રૂ. 25 લાખ પરત કરવા પડ્યા હતા.પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો આ વાત ઉચ્ચ સ્તરે ન પહોંચી હોત, તો શું બિલ્ડરના નાણાં પાછા મળ્યા હોત? અને આવા કેટલાય બિલ્ડરો કે સામાન્ય નાગરિકો હશે જેઓ આ રીતે આ પૂર્વ કોર્પોરેટરોનો શિકાર બન્યા હશે? પૂર્વ વિસ્તાર નો આ કિસ્સો તો માત્ર હિમશિલાની ટોચ છે; જો ઊંડી તપાસ થાય તો શહેરના અનેક વોર્ડમાં આવા પૂર્વ કોર્પોરેટરોના કાંડ બહાર આવી શકે તેમ છે.



જનતામાં ભારે રોષ, કામ જોઈએ તો મળો પૂર્વ કોર્પોરેટરને
વડોદરામાં હાલ ભાજપના ઉમેદવારો સામે ઠેર-ઠેર જે વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે, તેનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ વહીવટ જ છે. જનતામાં એવી ચર્ચા છે કે જો તમારે તમારા વિસ્તારમાં રસ્તો, પાણી કે ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ જોઈતી હોય, તો તમારે નેતાજીના ખિસ્સા ગરમ કરવા પડે છે. રસ્તો જોઈએ? પાણી જોઈએ? ડ્રેનેજની લાઇન નંખાવવી છે? તો મળો અથવા લખો પૂર્વ કોર્પોરેટરને.આવી નીતિના કારણે જ આજે ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ લોકો ઉમેદવારોને ભગાડી રહ્યા છે. જનતા પુછી રહી છે કે શું આવા 'કાંડ' કરનારાઓને જ ફરીથી ટિકિટ આપીને પક્ષે ભ્રષ્ટાચારને મોકળું મેદાન આપ્યું છે?

ધારાસભ્યના આશીર્વાદ અને સત્તાનો નશો
આ રિપીટ ઉમેદવાર વિશે એવું પણ કહેવાય છે કે તેઓ સ્થાનિક ધારાસભ્યના ખાસ માણસ છે. ધારાસભ્યના આશીર્વાદ હોવાથી તેઓ તંત્ર અને જનતા બંનેને ખિસ્સામાં સમજે છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી?ધારાસભ્યનાં માનીતા હોવાના નાતે આ નેતાઓ અજેય હોવાનું અનુભવે છે, પરંતુ તેઓ કદાચ ભૂલી ગયા છે કે લોકશાહીમાં અંતિમ નિર્ણય જનતા જનાર્દનના હાથમાં હોય છે.

Reporter: admin

Related Post