News Portal...

Breaking News :

નવલખી કૃત્રિમ તળાવનાં પાળા તુટ્યા..થીગડથાગડથી રિપેરિંગ કરાયું

2026-05-10 11:43:46
નવલખી કૃત્રિમ તળાવનાં પાળા તુટ્યા..થીગડથાગડથી રિપેરિંગ કરાયું

વિશ્વામિત્રી પ્રોજેક્ટ કેટલાક ભ્રષ્ટ નેતાઓ-અધિકારીઓ માટે ATM (એની ટાઈમ મની)
પાલિકાની એક સાંધો અને તેર તૂટે એવી હાલત
વિશ્વામિત્રીમાં વિકાસ નહીં, ભ્રષ્ટાચાર વહે છે: કરોડો સગેવગે કર્યા બાદ હવે તૂટેલી પાળ પર થીગડાં મારતું તંત્ર!...
વિશ્વામિત્રીને ઓપન ગટર બનાવી. કરોડો સગેવગે થયા? તૂટેલી પાળે કોર્પોરેશનના “વિકાસ”ની પોલ ખોલી!
નવલખી તળાવની પાળ ધોવાઈ, હવે જનતાના ટેક્સના પૈસે સેફ્ટી વોલનું થીગડું; દર વર્ષે કરોડો ખર્ચ છતાં ગંદી-ગોબરી નદી યથાવત.
ગેરકાયદે દબાણો સામે પણ તંત્રનું મૌન, વરસાદ પહેલાં જ કામ ધોવાઈ જતા ગુણવત્તા પર સવાલ; વડોદરાવાસીઓમાં ફરી પૂરનો ભય ઘેરાયો
વિશ્વામિત્રીનાં વહેણમાં વડોદરાના કરોડો ધોવાયા: નવલખી તળાવની પાળ તૂટી, હવે જનતાના ટેક્સના પૈસે સેફ્ટી વોલનું થીગડું!

વડોદરાની વિશ્વામિત્રી નદી આજે ભ્રષ્ટાચારનું એપીસેન્ટર બની ગઈ હોય તેમ લાગે છે. અકોટા બ્રિજ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીનાં પટમાં આવેલા નવલખી કૃત્રિમ તળાવનાં પાળા તૂટી ગયા બાદ હવે જાગેલા તંત્ર દ્વારા ત્યાં સેફ્ટી વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ થાય છે કે દર વર્ષે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા જાય છે ક્યાં? શું જનતાની પરસેવાની કમાણી નદીના ગંદા પાણીમાં તણાઈ રહી છે?કોર્પોરેશને વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણનાં નામે અત્યાર સુધી કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે. તેમ છતાં નદીની હાલત ઠેરની ઠેર છે. નદીના કિનારા પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે તંત્ર પાસે ઇચ્છાશક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે. જ્યારે મધ્યમ વર્ગનાં નાના બાંધકામો પર બુલડોઝર ફરે છે, ત્યારે નદીનાં કિનારે ખડકાયેલા મોટા ગેરકાયદે બાંધકામો સામે અધિકારીઓ મૌન કેમ સેવે છે? એ મોટો પ્રશ્ન છે.પ્રોજેક્ટમાં ગયા વર્ષે જે કામો થયા હતા, તેનું નામોનિશાન આજે જોવા મળતું નથી. કામની ગુણવત્તા એટલી હલકી કક્ષાની છે કે એક જ વરસાદમાં બધું જ ધોવાઈ જાય છે. વડોદરાવાસીઓ ડરી રહ્યા છે કે આ વખતે પણ જો તંત્રની આ જ બેદરકારી રહેશે, તો ભ્રષ્ટાચારનાં પાપે વડોદરા ફરી એકવાર ડૂબશે.


ગયા વર્ષે જે કરોડોનું કામ થયું, તે ક્યાંય જોવા મળતું નથી


વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ટેન્ડરિંગ પ્રક્રિયાથી લઈને કામ પૂર્ણ થવા સુધી અનેક સ્તરે ‘સેટિંગ’ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નદીનાં કિનારાનું વહેણ સાફ કરવાના નામે માત્ર પોકળ દાવા કરવામાં આવે છે. વિશ્વામિત્રીમાં આજે પણ ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાય છે. મગરનાં નામે ડર બતાવી કામગીરીમાં પારદર્શિતા રાખવામાં આવતી નથી. જે લોકો ગઈકાલ સુધી સાધારણ હતા, તે આજે મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે, જે સીધો સંકેત આપે છે કે જનતાના ટેક્સના પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે.વડોદરામાં દર વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે. વિશ્વામિત્રીની વહન ક્ષમતા વધારવાને બદલે તેના કુદરતી સ્ત્રોતો પર દબાણો કરવામાં આવ્યા છે. નવલખી તળાવની તૂટેલી પાળ એ પુરાવો છે કે આવનાર ચોમાસામાં અકોટા, રાવપુરા અને સયાજીગંજ સહિત દક્ષિણના વિસ્તારોમાં પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે.

Reporter: admin

Related Post